- જૂનાગઢના શિવલાયમાં કોરોના મહામારી પહેલાથી જ રાખવામાં આવે છે સામાજીક અંતરનું ધ્યાન
- ગર્ભગૃહની બહારથી જ અભિષેક માટે કરવામાં આવી છે વિશેષ વ્યવસ્થા
- વર્ષોથી શરૂ કરેલી આ પ્રકારની વ્યવસ્થા આજે રાજ્યના તમામ શિવાલયો અનુસરી રહ્યા છે
જૂનાગઢઃ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યના તમામ શિવમંદિરના ગર્ભગૃહમાં કોઈ પણ શિવભક્તને પ્રવેશ કરીને શિવલિંગ પર અભિષેક કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં દરેક શિવાલયોમાં અભિષેક માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે જેના દ્વારા શિવભક્તો સામાજિક અંતર રાખીને શિવલિંગ પર અભિષેક કરી રહ્યા છે.
આજે વાત કરીએ એક એવા શિવાલયની જ્યાં કોરોના સંક્રમણ પહેલા પણ કેટલાક વર્ષોથી જૂનાગઢના અતિ પ્રાચીન એવા માંગનાથ મહાદેવ મંદિરમાં જળાભિષેક માટેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. માંગનાથ મંદિરમાં દેવાધિદેવ મહાદેવ પર પવિત્ર જળ અને દૂધના અભિષેક માટે ગર્ભગૃહની બહાર જ ખાસ બનાવવામાં આવેલા કળશ દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે.
આ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્યના કેટલાક મોટા મંદિરોમાં આજે પણ જોવા મળે છે. ત્યારે માંગનાથ મહાદેવ મંદિરમાં આવી વ્યવસ્થાઓ છેલ્લા ઘણા વર્ષોથી અમલમાં મૂકવામાં આવી છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે મંદિરો દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓ લાભકારક છે. પરંતુ, માંગનાથ મહાદેવ મંદિરમાં આવી વ્યવસ્થાઓ દીર્ઘદ્રષ્ટિને ધ્યાને રાખીને છેલ્લા કેટલાય વર્ષોથી જોવા મળી રહી છે.