જૂનાગઢઃ શહેર સોમવારે એક ઐતિહાસીક ઘટનાનુ સાક્ષી બન્યું છે, ઈદનો તહેવાર હોવા છતા જૂનાગઢની તમામ ઈદગાહ મસ્જિદ સોમવારે બંધ જોવા મળી હતી. કોરોના વાઇરસના કારણે ચાલી રહેલા લોકડાઉનને લીધે તમામ મસ્જિદ બંધ રહી હતી.
કોરોના વાઇરસના કારણે મુસ્લિમોએ રમઝાન ઈદનો તહેવાર તેમના ઘરમાં રહીને મનાવ્યો હતો. સોમવારે સમગ્ર વિશ્વમાં પવિત્ર રમઝાન ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, પરંતુ કોરોના વાઇરસ જે પ્રકારે વૈશ્વિક મહામારી બનતો જાય છે, તેને ધ્યાને રાખીને દુનિયાના મોટાભાગના દેશોમાં હજુ પણ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સોમવારે શહેરની એક પણ ઇદગાહ મસ્જિદમાં ઈદની નમાજ અદા કરવામાં આવી નથી. સામાન્ય દિવસોમાં જે મસ્જિદ પરિસરમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ માટે આવતા હોય છે ત્યારે આજના દિવસે ઈદગાહ મસ્જિદ મુસ્લિમ બિરાદરો વગર સૂમસામ જોવા મળી હતી. જે પ્રકારે કોરોના વાઇરસના ખતરાને પગલે તમામ ધર્મના દેવાલયો હજુ સુધી ખુલ્યા નથી, તે પ્રમાણે ઈસ્લામ ધર્મમાં માનતા લોકો અને તેમના ધાર્મિક સ્થાનો પણ હજુ સુધી ખુલ્યા નથી. સોમવારના દિવસે રમજાન ઈદના પવિત્ર તહેવારે પણ મુસ્લિમ બિરાદરોએ તેમના ઘરમાં પરિવારની વચ્ચે ઇદની નમાઝ અદા કરીને કોરોના વાઇરસથી સમગ્ર સૃષ્ટિની મુક્તિ થાય તે માટે અલ્લાહને ઇબાદત કરી હતી.