- વિક્રમ સંવતના નવા વર્ષનો આજથી પ્રારંભ
- ભવનાથની ગિરિ તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવના ભક્તોએ કર્યા દર્શન
- શિવભક્તોએ શીશ ઝુકાવીને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
જૂનાગઢઃ વિક્રમ સંવતનું નવું વર્ષ સોમવારથી શરૂ થયું છે, ત્યારે આદિ-અનાદિ કાળથી જૂનાગઢની ભવનાથ તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવના દર્શન કરીને શિવભક્તો ભાવવિભોર બન્યા છે. પ્રાચીન સમયથી ભવનાથની ગિરિ તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવના દર્શન કરવાનું વિશેષ મહત્વ જોવા મળે છે.
ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કે નવા વર્ષના પાવન દિવસે દિવસની શરૂઆત દેવ દર્શન કરીને થતી હોય છે, ત્યારે સોમવારે નવા વર્ષના પવિત્ર દિવસે શિવભક્તોએ ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને નવા વર્ષના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે મહાદેવના દર્શન કરવાનું વિશેષ મહત્વ
ભવનાથ મહાદેવનું મહાત્મ્ય હિંદુ ધર્મગ્રંથ અને શિવપુરાણમાં પણ જોવા મળે છે. અહીં ભગવાન ભોળાનાથ સાક્ષાત બિરાજતા હોય એવો અનુભવ સૌ કોઇને થઇ રહ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન ભવનાથ મહાદેવના દર્શન માટે દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય છે, ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. ભક્તોએ નવા વર્ષના પ્રથમ દિવસે મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.