- આગામી સમયમાં આવી રહી છે કોર્પોરેશનની ચૂંટણી
- જામનગર કોર્પોરેશનમાં કેટલાંક વર્ષોથી છે ભાજપની સત્તા
- આ વખતે મતદારોનો મિજાજ કોને ચૂંટીને લાવશે..?
જામનગરઃ આગામી દિવસોમાં જામનગરમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખાસ કરીને જામનગર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. જોકે બંને પાર્ટીમાં જૂથવાદ છે અને અંદરો અંદરની લડાઈ પણ છે.
જામનગર કોંગ્રેસ માટે જૂથવાદ મોટી ચેલેન્જ
હાલ ભાજપમાં પણ જૂથવાદની સાથે-સાથે ટિકિટની ફાળવણી થયા બાદ અમુક કાર્યકર્તાઓ નારાજ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે બંને પાર્ટી માટે આગામી ચૂંટણી એક ચેલેન્જ છે. ખાસ કરીને કાર્યકર્તાઓ પર ડેમેજ કંટ્રોલ કરવો પણ એક મોટો પડકાર રહેશે. મતદારો આ વખતે કોને મહાનગરપાલિકાની કમાન સોંપશે તે તો આવનાર સમય જ બતાવશે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચહલપહલ શરૂ થઇ છે અને કાર્યકર્તાઓ એક્ટિવ થયા છે અને અંદરખાને ચૂંટણીને લઇને તમામ ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે.
ભાજપ કોર્પોરેશનમાં સત્તા ટકાવી રાખવા કરશે પૂરો પ્રયાસ
જામનગર કોર્પોરેશનમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે તો કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી સત્તા પર કબજો મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. જોકે આ વખતની ચૂંટણીમાં મુદ્દાઓ હશે પણ મતદારો તો એ જ હશે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપે પોતાનું સ્તર સુધાર્યું છે અને શહેરી વિસ્તારના મતદારો હંમેશા વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપી રહ્યા છે. જામનગરમાં કોર્પોરેશનમાં ચૂંટાયેલા નગરસેવકોમાં અનેક હોશિયાર નગરસેવકો છે. જેઓ અભ્યાસ કરી અને જનરલ બોર્ડમાં પોતાના પ્રશ્નો પણ પૂછતા હોય છે. જોકે આવા નગરસેવકોને સાઇડલાઇન પણ કરવામાં આવી રહ્યા છે.