જામનગરઃ જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઇ શહેરની પ્રખ્યાત ગ્રેઇન માર્કેટમાં મંગળવારથી વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મંગળવારથી ગ્રેઇન માર્કેટ અને બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી મંડળ દ્વારા અડધા દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ પોતાની દુકાનો સવારે 8થી 2 વાગ્યા સુધી ખુલ્લી રાખશે અને બાદમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરશે.
ગ્રેઇન માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. જેના કારણે કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. તેમજ છેલ્લા થોડા દિવસ દરમિયાન ઘણા બધા વેપારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. જેથી આગામી તારીખ 16થી30 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે વેપારીઓ અને ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે.

ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં દરરોજ 100થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને અનેક લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં મંગળવારના રોજ 11 લોકોના કોરોનાને કારણે મોત થયા છે, જેમાં 2 દર્દીઓ ખંભાળિયાના જ્યારે 9 લોકો જામનગરના છે.