- ઉત્તરાખંડમાં ફસાયેલા જામનગરના ત્રણ યુવકો સુરક્ષિત
- જય ફલીયા અને રાજદીપ જાની સહિતના ત્રણ યુવકો ઉત્તરાખંડમાં ગયા છે ફરવા
જામનગર: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ અચાનક આવેલા પૂરના કારણે અનેક મજૂરો ફસાયા છે અને બચાવકાર્ય પણ ચાલુ છે. રવિવારે સવારે દસ વાગ્યા આસપાસ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં કેટલીક નદીઓમાં અચાનક પાણી વધી ગયું હતું. નંદાદેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાને કારણે ભૂસ્ખલન થયું અને ધૌલીગંગા, ઋષિગંગા અને અલકનંદા નદીઓમાં જળસ્તર વધી ગયું હતું, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.
યુવકોનો ટેલિફોન પર થયો પરિજનો સાથે સંપર્ક
Etv ભારત સાથેની ટેલિફોનિક વાતચિતમાં પરિજનોએ જણાવ્યું કે, ત્રણેય યુવકો સહીસલામત છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા. જય ફલીયા અને રાજદીપ જાનીએ પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન પણ દોર્યું છે. ત્રણ યુવકો પિકનીક મનાવવા માટે ઉત્તરાખંડ ગયા હતા, ત્યાં એનટીપીસીની બે પરિયોજનાઓ તપોવન- વિષ્ણુગઢ પરિયોજના અને ઋષિગંગા પરિયોજનાને નુકસાન થયું હતું. આ પરિયોજનાથી સાથે જોડાયેલી સુરંગમાં પાણી ભરાઈ ગયું અને ત્યાં મજૂરો ફસાઈ હોવાની વિગતો બહાર આવી છે.