જામનગર: દેવભૂમિ દ્વારકામાં ગુરુવારે મોરારીબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેના વિરોધમાં જામનગર સાધુ સમાજે શુક્રવારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

દેવભુમી દ્વારકામાં ગુરુવારે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અશોભનીય વર્તન માફીને પાત્ર નથી, જેથી જામનગર સાધુ સમાજે તેનો વિરોધ કર્યો હતો અને ઝડપથી કાયદેસરની કાર્યવાહી થાય એવી માગ કરી હતી.
અત્યારે કોરોના વાઇરસની પરિસ્થિતિને કારણે સાધુ સમાજે કોઇ જલદ કાર્યક્રમ આપ્યો ન હતો, પરંતુ ૩૦ જૂન પહેલા પબુભા માણેક દ્વારા તલગાજરડા જઇને બાપુની માફી નહિ માંગે તો સમગ્ર ગુજરાતના સાધુ સમાજ દ્વારકા જઇને જલદ આંદોલન કરશે તેમજ દ્વારકા તરફ કુચ કરશે તેવી ચીમકી સાધુ સમાજે આપી હતી. આ બાબતે તાત્કાલીક નિકાલ આવે તેવી કાર્યવાહી કરવા સમગ્ર સાધુ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.