• ત્રણ દિવસથી ડોક્ટર કરી રહ્યા હતા વિરોધ
• રાજ્ય સરકારે પોઝિટિવ વલણ દાખવતા આખરે હડતાલ સમેટાઈ
• જામનગરમાં ૧૫૦ જેટલા તબીબો જોડાયા હતાં
જામનગર: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી લોકોને બચાવવા માટે જીવના જોખમે ડ્યૂટી નિભાવતા તબીબોએ સ્ટાઈપેન્ડ સહિતની પોતાની વિવિધ પડતર માંગણીઓને રાજ્ય સરકાર સમક્ષ મુકી હતી. જો કે રાજ્ય સરકારે કોઈ નિર્ણય ન લેતા તબીબોએ ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.
રાજ્ય સરકારે પોઝિટિવ વલણ દાખવતા હડતાળ સમેટાઈ
જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે 150 જેટલા તબીબો છેલ્લા 3 દિવસથી સ્ટાઈપેન્ડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.જો કે રાજ્ય સરકારે ડોક્ટર સાથે વાતચીત કર્યા બાદ ડોક્ટરોની હડતાળ સમેટાઇ છે અને જામનગરના તમામ ડોકટર્સ આજથી ડ્યૂટી પર જોડાયા છે.
ડોકટર્સ ડ્યૂટી પર જોડાયા
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ માં 200 બેડની વ્યવસ્થા છે અને અહીં મોટી સંખ્યામાં તબીબો ફરજ બજાવે છે જેમાંથી ઘણા બધા તબીબો કોરોના સંક્રમિત પણ થયા હતા. જો કે આજરોજ હડતાળ સમેટાઈ જતા તમામ તબીબો પોતાની ડ્યુટી પર તૈનાત થયા છે..