- તૌકતે ચક્રવાતની સંભવિત અસરોને પહોંચી તંત્ર સજ્જ
- કલેકટર અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
- દરિયામાં રહેલ બોટ પરત બોલાવવામાં આવી
જામનગર: તૌકતે ચક્રવાતની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર રવિશંકરની આગેવાની હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લામાં તૌકતે ચક્રવાતને કારણે કોઈ જાન માલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: "તૌકતે" ચક્રવાત - જાણો ગુજરાત પર શું થશે અસર?
કલેકટર અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસુલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે. દરિયાથી 5 કી.મી. તથા 10 કી. મી.ની હદમાં આવેલ અનુક્રમે 22 તથા 39 ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. તેમજ સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. દરિયા કિનારાથી 3 કી. મી. ની અંદર આવેલ સી.સી.સી. સેન્ટરોને સલામત સ્થળે ખસેડવા જિલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય અધિકારીને સૂચના અપાઈ છે.
દરિયામાં રહેલ બોટ પરત બોલાવવામાં આવી
હાલ દરિયામાં રહેલી 222 જેટલી બોટ પૈકી 37 બોટ પરત આવી ગઈ છે. તેમજ અન્ય બોટોને પરત લાવવા તંત્ર દ્વારા મત્સ્યોદ્યોગ સંગઠનો મારફત સૂચના અપાઈ છે. જરૂર જણાય તો નીંચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોને જરૂર પડ્યે અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે. વીજ પુરવઠો ન ખોરવાય તેમજ તેને લગતી આનુસંગિક વ્યવસ્થાઓ હાથ ધરવા PGVCLને સૂચિત કરાયું છે.
આ પણ વાંચો: ચક્રવાત નિસર્ગઃ જોખમી પરિસ્થિતિને પહોંચી વળવા કોસ્ટગાર્ડ સજ્જ
6મી મેની આજુબાજુ આ ચક્રવાત તીવ્ર બને એવી સંભાવના છે
16મી મેની આજુબાજુ આ ચક્રવાત તીવ્ર બને એવી સંભાવના છે. જેમાં કચ્છ તથા કરાંચીની આસપાસ 19-20મેના પહોંચીને વધુ અસર કરી શકે છે, તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને કિનારે પરત આવવા માટે સૂચનો અપાયા હતા.
સમુદ્રની પરિસ્થિતિ બે દિવસમાં વધુ સ્પષ્ટ થશે
આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે, દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં તેમજ તેની આસપાસના માલદીવ વિસ્તારોમાં સમુદ્રની પરિસ્થિતિનો ખ્યાલ શુક્રવાર તેમજ શનિવારના વધુ સ્પષ્ટ બનશે.