જામનગરઃ શહેર કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કોરોનાથી મૃત્યુ પામનારના આંકડા સરકાર દ્વારા છુપાવવામાં આવે છે અને હાલ જામનગરમાં કોરોના મહામારીનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. દિવસેને દિવસે પોઝિટિવ કેસમાં સતત વધારો થતો જાય છે.
થોડા દિવસ પૂર્વે પણ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવ્યો કે, કોરોનાના પોઝિટિવ આવેલા દર્દીઓ અને કોરોનાથી મૃત્યુ પામનારના આંકડાઓ છુપાવવામાં આવે છે અને ખોટી માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. બુધવારના રોજ કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાનીમાં વિપક્ષ દ્વારા શહેરના નાગનાથ નાકા પાસે આવેલ શ્રી સમાજ સેવક મહાવીર દળ સંચાલિત માણેકબાઈ સુખધામમાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવેલ રેકોર્ડ મુજબ હાલ અત્યાર સુધીમાં 182 કોરોના પોઝિટિવ આવેલ દર્દીના મૃતદેહ અંતિમવિધિ માટે આવ્યા છે અને તંત્ર દ્વારા કોરોનાથી 26 વ્યક્તિના મૃત્યુ સરકારી ચોપડે દેખાડવામાં આવે છે. જેમાં 10 શહેરમાં અને 16 ગ્રામ્યમાં મૃત્યુ થયાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલો આંકડો છે.
કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે, કોરોના મારામારી મુદ્દે કોંગ્રેસ પક્ષ રાજકારણ નથી કરતું પણ સરકાર દ્વારા ખોટા આંકડા કેમ દર્શાવવામાં આવે છે. તેનો જવાબ જામનગરની જનતા સરકાર પાસે માગે છે. આ તકે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, વિરોધપક્ષ નેતા અલ્તાફ ફી સહિત કોંગ્રેસના નગરસેવક અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.