- જામનગર સ્થિત બાલાચડી સૈનિક શાળા ખાતે 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ
- સૈનિક સ્કૂલ બાલાચડીના બાળકોએ ગણતંત્ર દિવસની કરી ઉજવણી
- પ્રજાસત્તાક દિવસ પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મ પણ બતાવવામાં આવી
જામનગર: શહેરમાં આવેલી બાલાચડી સૈનિક શાળા દ્વારા ઑનલાઇન માધ્યમથી 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પહેલા બાલાચડી સૈનિક શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે યુદ્ધ સ્મારક શૌર્ય સ્તંભ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે પ્રજાસત્તાક દિવસ પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ધોરણ -9ના કેડેટ ક્રિશ નિનામા અને ધોરણ -10ના કેડેટ ઋષભ વાઝાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અનુક્રમે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રજાસત્તાક દિવસના મહત્વ અને મહાનતા વિશે માહિતી આપી હતી. ત્યારબાદ કેડેટ્સ તેમજ સ્ટાફે રાષ્ટ્રભક્તિના ગીતો ગાયા હતા. ધોરણ -12ના કેડેટ્સે ઑનલાઇન માધ્યમથી દેશના બહાદુર સૈનિકોના માનમાં દેશભક્તિ કવિતાઓ ગાવામાં આવી હતી. સ્કૂલ કેડેટ કેપ્ટન અમીત રૌશન અને કેડેટ દિવ્યાંગ ભાર્ગવે પાસિંગ આઉટ કોર્સ સંસ્મરણમાં તેમની સાત વર્ષની યાદો પ્રતિબિંબિત કરી હતી. ધોરણ -12ના વિદ્યાર્થીઓ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી કેન્ડલ પાસિંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરિંગ ધોરણ -9ના કેડેટ દિવાંશુ યાદવ અને કેડેટ ક્રિશ ફ્રાન્સિસ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિધાર્થીઓએ દેશભક્તિના ગીત સંભળાવ્યા
મુખ્ય અતિથિએ આ પ્રસંગે આપેલા સંબોધન વખતે કેડેટ્સ, સ્ટાફ અને તેમના પરિવારજનોને ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશભક્તિની ભાવના તેમજ રાષ્ટ્ર પ્રત્યે જોડાયેલા રહેવાની લાગણી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કેડેટ્સને દેશ માટે બંધારણની જરૂરિયાતને સમજવાનું કહ્યું હતું અને તેમના દૈનિક જીવનમાં બંધારણની મૂળભાવનાને આત્મસાત કરવા કહ્યું હતું. કેડેટ્સ દ્વારા શાળાના ગીતના ગાન સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.