જામનગરઃ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 71માં વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી તેમજ વનવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી, તેમજ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન રાખી સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરથી ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો કાર્યક્રમ પણ લાઈવ કરવામાં આવ્યો હતો.
વૃક્ષોની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે લોકો વધુમાં વધુ વૃક્ષો પ્રત્યે જાગૃત બને અને તેનું જતન કરી વૃક્ષોનું વાવેતર કરે તેમજ ગુજરાતને ગ્રીન ગુજરાત બનાવે તેવા ઉદેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન વિભાગ દ્વારા ખરાબાની જમીન ઉપર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાના આગેવાનો અને DYSP સહિતના અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.