જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હવે રીતસર કાળો કેર વર્તાવી રહ્યો છે. રવિવારે એક જ દિવસમાં 63 કેસ અને શનિવારે 38 કેસ મળી બે દિવસમાં 98 દર્દીઓના કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાતા સમગ્ર આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. હવે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રધાને મંગળવારે સાંજે મેડિકલ કોલેજમાં મીટિંગ બોલાવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઓકટોમ્બર માસના એક સપ્તાહમાં જ 335 દર્દીઓ ડેન્ગ્યુમાં સપડાયા છે. જે કદાચ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આમ છતાં સરકાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી રહીં નથી.
જામનગર શહેરમાં બિમારીનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. દરરોજ નવા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવે છે. તંત્રના આરોગ્ય વિષયક કામગીરીના દાવા પણ પોકળ સાબિત થઈ રહ્યાં છે. જામનગમાં શનિવારે 35 અને રવિવારે 63 દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે ચાલુ ઓક્ટોબર માસમાં જ ફક્ત જી.જી. હોસ્પિટલમાં રેકોર્ડબ્રેક 335 કેસ માત્ર ડેન્ગ્યુના નોંધાયા છે.
હાલના સમયમાં સમગ્ર રાજ્યમાં રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે, પરંતુ સૌથી વધુ આક્રમક અને ઘાતક જામનગરમાં જોવા મળી રહ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ કદાચ સમગ્ર રાજ્યમાં વધુ છે. છતાં રાજ્ય સરકારના પેટનું પાણી પણ હલવાનું નામ નથી લઇ રહ્યું. આજ સુધી સરકારે દરકાર લેવાની પણ તસ્દી લીધી નથી. આ રોગચાળા માટે માત્ર અને માત્ર જામનગર મહાનગરપાલિકાનું તંત્ર જ જવાબદાર કહેવાય. વરસાદી પાણીના નિકાલ અને સફાઈની અપૂરતી કામગીરીના કારણે આ રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે. હવે રાજ્ય સરકારના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા મંગળવારે સાંજે પાંચ વાગ્યે આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી હતી. મેડિકલ કોલેજમાં હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને શહેર જિલ્લાના આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરમાં થતી કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.