- જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ કાબૂને બહાર
- 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં 1400 દર્દીઓ સારવાર હેઠળ
- ETV Bharatની જી. જી. હોસ્પિટલના અધિક્ષક સાથે ખાસ વાતચીત
જામનગર: જી. જી. હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં હાલ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેના કારણે 1200 કોવિડ બેડની સુવિધા ધરાવતી જામનગરની કોવિડ હોસ્પિટલમાં હાલ 1400 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. ત્યારે કોરોનાની સારવાર માટે અને દર્દીઓના ધસારાને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે? તે અંગે ETV Bharat દ્વારા જી. જી. હોસ્પિટલના અધિક્ષક સાથે વાતચીત કરવામાં આવી છે.
આ પણ વાંચો: કોરોનાનો હાહાકાર, જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત
તંત્ર દ્વારા ઉભી કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા
જી. જી. હોસ્પિટલના અધિક્ષક ડો. દિપક તિવારીએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી અને નિર્દેશથી કોવિડ હોસ્પિટલમાં સતત સુવિધાઓ વધરાવમાં આવી રહી છે. 400 જેટલા ડોક્ટરો પણ ખડેપગે સેવા આપી રહ્યા છે અને જેમ બને તેમ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો જી. જી. હોસ્પિટલ સિવાય અન્ય જગ્યાઓ પર પણ કોરોનાના દર્દીઓને સારવાર મળે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા કલેક્ટર એસ. રવીશંકર દ્વારા સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સતત ટીમ વર્કથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.