- જામનગરમાં દેશી બનાવટના ફટાકડાનું વેચાણ
- બજારમાં ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ
- રાજ્યમાં વોકલ ફોર લોકલના ભાગ રુપે દેશી બનાવટના ફટાકડાનું વેંચાણ
જામનગરઃ સમગ્ર દેશમાં દિવાળીને તહેવારને લઈ ઉત્સાહની સાથે અસમંજસ પણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આતશબાજી અને જાહેરમાં ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે. સરકારના દિશા નિર્દેશ મુજબ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની છુટ આપી છે. તેમજ ચાઈનીઝ ફટાકડા અને તુક્કલની પણ મનાઈ છે. તો રાજ્યમાં વોકલ ફોર લોકલના ભાગ રુપે દેશી બનાવટના ફટાકડાનું વેંચાણ થઈ રહ્યુ છે.
દેશી બનાવટના ફટાકડાનું વેચાણ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરની બજારમાં ફટાકડાની દુકાનો ખોલવામાં આવી છે, આ દુકાનોમાં દેશી બનાવટના ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જોકે આ વખતે ચાઈનીઝ ફટાકડા પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકયો હોવાના કારણે ચાઈનીઝ ફટાકડા બજારમાં જોવા મળતા નથી.
બજારમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફટાકડાના વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે. કારણ કે બજારમાં ઓછા ગ્રાહકો જોવા મળી રહ્યા છે. તો રાજ્ય સરકારે દિવાળી પૂર્વે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ જાહેર જગ્યામાં ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવી છે. જામનગરની મુખ્ય બજારોમાં ફટાકડાનો વર્ષોથી વ્યવસાય કરતા વેપારીઓને હજુ બીજા શહેરમાંથી મગાવેલા ફટાકડાનો માલ મળ્યો નથી, જેના કારણે વેપાર કરી શકતા નથી. તો તમામ વેપારીઓ ફટાકડાની દુકાનો બહાર સામાજિક અંતર જાળવવું અને ફરજીયાત માસ્ક પહેરવું જેવા પોસ્ટર પણ લગાવ્યા છે. તેમજ ગ્રાહકો પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળી રહ્યા છે.
શહેરમાં આ વર્ષે દેશી ફટકડાનું બજાર 2 કરોડ જેટલું છે, તો દેશમાં દેશી બનાવટના 10 કરોડના ફટકડાનું વેચાણ થાય તેવી શકયતા છે. વેપારી એસોસિએશનના પ્રમુખ મુન્ના નાગોરી સાથે વાત કરતા જણાવ્યું કે, ભારતમાં કોરોના મહામારી છે, પરંતુ રિકવરી રેટ પણ સારો છે. તો રાજ્યમાં ફટાકડા ફોડવાથી કોરોના વધે તેવી શકયતા ઓછી છે.