- વૃદ્ધા પથારીવશ છે
- વૃદ્ધા પેરાલિસિસની બીમારીથી પીડાઇ રહ્યા છે
- વૃદ્ધાની વહારે આવી 'સખી' વન સ્ટોપ સેન્ટર
જામનગરઃ શહેરના સામાજિક કાર્યકર્તા ધર્મિષ્ઠાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જાણ કરવામાં આવી હતી કે શહેરના સાધના કોલોની વિસ્તારમાં આશરે 61 વર્ષની ઉંમરના વૃદ્ધા રહે છે. જે શારીરિક રીતે ખુબ જ અશક્ત છે તેમજ પેરાલિસિસની બીમારીથી પીડાઈ રહ્યા છે અને પથારીવશ છે. તેમજ તેમની સારસંભાળ લેવા વાળું કોઈ નથી અને પોતે વિધવા છે. તેમજ તેમને કોઇ સંતાન પણ ન હોવાથી તેમની કાળજી લેવા તથા અન્ય જગ્યાએ આશ્રયની વ્યવસ્થા કરી આપવા અંગે જાણ સામાજિક કાર્યકર્તા ધર્મિષ્ઠાબેન દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપાયો
નિઃસહાય વૃદ્ધોની સહાય કરતું સખી વન સ્ટોપ સેન્ટર
ઉપરોક્ત સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૃદ્ધાને જામનગર 'સખી' વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા વૃદ્ધાના સંબંધીઓ અને પરિવારના અન્ય સભ્યોની માહિતી મેળવવામાં આવી હતી. તેમના સગા સબંધીઓ સાથે સંપર્ક કરતા કોરોનાની સ્થિતિને લઈ કોઈ સાથે રાખી શકે તેમ નથી તેમ જણાવાયું હતું અને વૃદ્ધાની સંભાળ લઈ શકે એવી કોઈ સંસ્થામાં પ્રવેશ અપાવી દેવા જણાવવામાં આવ્યું હતુ. કેન્દ્ર સંચાલક હેતલ અમેથીયા દ્વારા આ બાબતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી. ડી. ભાંભીને જાણ કરતા તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ આશ્રય સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો. એવામાં મોરબી જિલ્લાના યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટ માનવ કલ્યાણ સંસ્થાએ પ્રવેશ આપવાની તૈયારી દર્શાવતા આ વૃદ્ધાને ત્યાં મોકલવા માટે કોરોના રિપોર્ટ કરાવવો જરૂરી છે તેમ જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સખી વન સ્ટોંપ સેન્ટર મહિલા માટે બન્યું આશીર્વાદ રૂપ
કોરોના કાળમાં વિવિધ સંસ્થાઓ કરી રહી છે ઉત્તમ કામગીરી
જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના કમ્પાઉન્ડમાં જ કાર્યરત કોરોના ટેસ્ટિંગ સાઇટમાં વૃદ્ધાનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવતા જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃદ્ધાને મોરબી ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી અને તેમને આશ્રય તેમજ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયામાં સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલ અમેથીયા અને કેસ વર્કર આશાબેન પુંભડિયા તેમજ જામનગરમાં મહિલાઓ માટે સેવા આપતા સામાજિક કાર્યકર લિલુબેન મોઢવાડીયાએ જહેમત ઉઠાવી હતી. વૃદ્ધાને યોગ્ય જગ્યાએ આશ્રય અપાવવાની સંવેદના સભર કામગીરી બજાવી હતી.