- ગ્રામ્ય કક્ષામાં આવેલા PHC અને CHC સેન્ટરમાં કોવિડ સેન્ટર ઉભા કરાયા
- કોરોના કાળમાં અહીં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર અર્થે ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલમાં
- કોરોનાના દર્દીઓને કારણે જામનગરની તમામ હોસ્પિટલ હાઉસફૂલ બની
જામનગર: શહેરની ગુરુ ગોવિદસિંહ સરકારી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. કોરોના કાળમાં અહીં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. સતત દર્દીઓના ધસારાના કારણે કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ બની છે. તો જામનગર મહાનગરપાલિકા દ્વારા 13 જેટલી ખાનગી હોસ્પિટલોને પણ મંજૂરી આપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષામાં આવેલા PHC અને CHC સેન્ટરમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આમ જોઈએ તો સરકારી કોવિડ હોસ્પિટલમાં 2,000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો 13 જેટલી ખાનગી હોસ્પિટલમાં પણ 1,000 જેટલા બેડની વ્યવસ્થા છે. જોકે અન્ય જિલ્લામાંથી આવતા કોરોનાના દર્દીઓને કારણે જામનગરની તમામ હોસ્પિટલ હાઉસફૂલ બની છે.
જામનગરની સરકારી હોસ્પિટલમાં કેટલો ઓક્સિજન અને ખાનગીમાં કેટલો ?
કોરોનાની સેકેન્ડ વેવમાં ઓક્સિજન સૌથી વધુ મહત્વ ધરાવે છે. કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવાના કારણે અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે. સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્દ્ધ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ઓક્સિજન કોવિડ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યો છે. 6 ઓક્સિજન ટેન્ક ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવ્યા છે. કુલ મળીને 50,000 લીટર ઓક્સિજનનો જથ્થો રાખવામાં આવી રહ્યો છે. તો સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને તાત્કાલિક રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે છે. જોકે સરકારી હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી, જેવો બેડ ખાલી થાય તરત જ કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવે છે. જામનગર કોવિડ હોસ્પિટલમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. એસ. એસ. ચેટરજીએ માહિતી ઉપરોક્ત આપી છે.
આ પણ વાંચો : રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલની સારવારે મને ઘર ભુલાવી દીધુ હતુ’’ :75 વર્ષીય વૃદ્ધા
શહેરમાં આવેલી 13 ખાનગી હોસ્પિટલમાં કેટલો છે ઓક્સિજન અને કેટલા બેડ ?
જામનગર મહાનગરપાલિકા દ્વારા સતત વધતા કોરોનાના કેસને અંકુશમાં લાવવા માટે 13 જેટલી ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે. જોકે ઓક્સિજન તમામ ખાનગી હોસ્પિટલ બહારથી મંગાવે છે. તમામ ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા અલગ જોવા મળી રહી છે. સૌથી વધુ સમર્પણ હોસ્પિટલમાં 100 જેટલા કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા પચાયતના આરોગ્ય કર્મચારીઓ જે તે કોરોનાના દર્દીઓને આપી રહ્યા છે રેમડેસીવીર ઇન્જેક્શન
શહેરમાં સમગ્ર જિલ્લાના કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. ઇન્જેક્શનની વાત કરવામાં આવે તો રેમડેસીવીર ઇન્જેક્શન જિલ્લા પચાયતના આરોગ્ય કર્મચારીઓ જે તે કોરોનાના દર્દીઓને આપી રહ્યા છે, ત્યાં દર્દીના પોઝિટિવ રિપોર્ટ અને હોસ્પિટલનો દાખલો જમા કરવાનો હોય છે. રાજ્ય સરકાર દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન મોકલવામાં આવે છે અને હાલ જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્દ્ધ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : ભાવનગરની રક્તપિત દર્દીની હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં પરીવર્તિત કરવામાં આવી
જામનગર જિલ્લામાં વેક્સિન આપવાની કામગીરી પુરજોશમાં
જામનગર શહેરમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ નાના નાના સેન્ટર લોકોને વેક્સિન આપી રહ્યા છે. વેક્સિન હવે 18 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિ લઈ શકે છે.
ગ્રામ્ય કક્ષાએ પણ લોકોમાં વેક્સિન લેવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
છેલ્લા પાંચ દિવસથી વેક્સિન લેનારાની સંખ્યામાં પણ વધારો થયો છે. જોકે સમગ્ર મામલે મહાનગપાલિકામાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. ઋજુતા જોશીએ જણાવ્યું હતું કે, મનપા વિસ્તારમાં વધુમાં વધુ લોકો વેક્સિન લે તે માટે તમામ સેન્ટર પર વેક્સિન ઉપલબ્દ્ધ કરવામાં આવી છે. તો જિલ્લા પચાયતમાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. બથવાર જણાવી રહ્યા છે કે, ગ્રામ્ય કક્ષાએ પણ લોકોમાં વેક્સિન લેવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જામનગર જિલ્લામાં સિનિયર સીટીઝન બાદ યુવાઓ પણ વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે.