જામનગર: જામજોધપુર વિસ્તારના કોરોના પોઝિટિવ 3 પુરુષો અને 2 મહિલાઓને લઇ જામનગર કોવિડ હોસ્પિટલ ખાતે આવી રહેલી એમ્બ્યુલન્સમાં પંચર પડતા આ દર્દીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ દર્દીઓમાંથી એક સુરતથી આવેલા અને હાલ જામજોધપુરના ગિંગણી ખાતે વસવાટ કરતા મહિલાએ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ બે વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા પરંતુ વારંવાર એમ્બ્યુલન્સમાં પંચર પડતા તેમને રસ્તા પર જ રોકાવું પડ્યું હતું અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સાથેના અન્ય દર્દીઓએ પણ વીડિયોમાં પોતાની આપવીતી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સ સેવા ઇમરજન્સીમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેના માટે હોય છે, પરંતુ જો આ રીતે જ વારંવાર એમ્બ્યુલન્સમાં પંચર પડવાની ઘટનાઓ બનતી રહે તો ક્યારેક દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે. જેની સત્તાવાળાઓએ નોંધ લેવી રહી.