- જામનગરમાં યુવક રેલવે ટ્રેક પર સ્કૂટર સાથે ફોટોગ્રાફી કરતો હતો અને આવી ટ્રેન
- યુવક હતો ફોટોગ્રાફીમાં મશગુલ
- પોલીસ પાસે કોઈ ફરિયાદ આવી નથી
જામનગરઃ આજકાલ યંગ જનરેશન વિવિધ લોકેશન્સ પર ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. જો કે, રેલવે ટ્રેક પર જામનગરના યુવકને ફોટોગ્રાફી કરવી ભારે પડી છે, કારણ કે, પોતાના સ્કૂટર સાથે હરીયા કોલેજ પાસે યુવક રેલવે ટ્રેક પર ફોટોગ્રાફી કરી રહ્યો હતો. તે દરમિયાન એકાએક ટ્રેન આવતા યુવક મુશ્કેલીમાં મુકાયો હતો. જો કે, ટ્રેન નજીક આવી જતાં યુવકે પોતાનું સ્કૂટર રેલવે ટ્રેકમાંથી બહાર કાઢવાની કોશિશ કરી હતી અને બાદમાં ટ્રેન ઉભી રાખવા માટે પણ ઈશારો કર્યો હતો.
યુવાઓ ફોટોગ્રાફી માટે ક્યારેક જીવ પણ ગુમાવી રહ્યા છે
ટ્રેન ઉભી રહે તે પહેલા જ યુવકનું સ્કુટર ભાંગીને ભૂક્કો બોલી ગયું હતું. વીડિયોમાં અન્ય યુવક પણ જોવા મળી રહ્યો છે, જે ફોટોગ્રાફી કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યંગ જનરેશનમાં ફોટોગ્રાફીનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે અને યુવકો વિવિધ લોકેશન્સ પર ફોટોગ્રાફી કરતા જોવા મળે છે અને ક્યારેક જીવ પણ ગુમાવે તેવી ઘટનાઓ બની રહી છે. જામનગરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
પોલીસને ધ્યાને આવી ઘટના આવી નથી
સમગ્ર મામલે નજીકના પોલીસ સ્ટેશન ઉદ્યોગ નગરનો સંપર્ક કરતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આવી કોઇ ઘટના અમારે ત્યાં આવી નથી અને કોઈ ફરિયાદ પણ આવી નથી.