જામનગરઃ જિલ્લાને આખરે સતાવાર રીતે ગ્રીન ઝોનમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ સાથે જ આજથી લોકડાઉનમાં ત્રીજા તબકકાનો પ્રારંભ થયો છે. આ ત્રીજા તબકકામાં કેટલીક વધુ છૂટછાટો આપવામાં આવી છે. જેને કારણે જન-જીવન થોડું સરળ થયું છે. લોકડાઉનના ત્રીજા તબકકામાં મળનારી કેટલીક વધારાની છૂટછાટો અંગે જિલ્લા કલેક્ટર દ્વારા રવિવારે રાત્રે જાહેરનાંમુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
લોકડાઉન-3 પ્રતિબંધ
લોકડાઉન 1 અને 2ની જેમ લોકડાઉન 3માં પણ રેલવે, હવાઈ સેવા, શાળા– કૉલેજો, કોચિંગ ક્લાસ, મોલ, થીએટર, જિમ, હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. આ ઉપરાંત ચાની દુકાનો, જયુસ સેન્ટર, સોડા શોપ, ઠંડાપીણાની દુકાનો, ફાસ્ટ ફુડ, લારી-ગલ્લા, ફરસાણ, મીઠાઈની દુકાનો, કોફી શોપ, પથારાવાળા, શાકમાર્કેટ, સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડાઓ અને તમામ ધર્મસ્થાનો પણ 17 મે સુધી બંધ રહેશે.
લોકડાઉન-3માં પરવાનગી
લોકડાઉન-3માં જામનગર શહેર અને જિલ્લામાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. એસ.ટી. બસ 50 ટકા ક્ષમતા સાથે દોડાવી શકાશે. ટેક્સી અને ઓટો રીક્ષા 2 મુસાફરો સાથે ચાલુ કરી શકાશે. આ ઉપરાંત પ્રતિબંધિત ન હોય તેવી તમામ દુકાનો અને ઓફિસો કાર્યરત રાખી શકાશે. આ પ્રવૃત્તિઓ માટે અલગથી પાસ લેવાની જરૂરિયાત રહેશે નહીં.
શહેર જિલ્લામાં આવશ્યક સેવાઓની દુકાનો સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે તે સિવાયની દુકાનો સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તમામ સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશનના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
દરેડની 90 ખોલી વિસ્તારને મુક્તિ
જામનગર નજીક આવેલી દરેડની 90 તેમજ તેની આસપાસના 100 મીટર ત્રિજયાના વિસ્તારને કોરોના ક્વોરેન્ટાઈન એરિયામાંથી મુક્ત કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા આ અંગે પણ અલગથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.