- જામનગરમાં ટૂંક સમયમાં યોજાશે કોર્પોરેશનની ચૂંટણી
- વોર્ડ નંબર-6ના સ્થાનિકોએ કરી ETV BHARAT સાથે વાતચિત
- આ વોર્ડમાં ચારેય કોર્પોરેટર ભાજપના
- સ્થાનિકો કોર્પોરેટરના કામોથી ખુશ
જામનગરઃ રાજ્યમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે જામનગર શહેરમાં પણ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. આ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 16 વોર્ડમાંથી 64 કોર્પોરેટરો ચૂંટાઈને આવશે. જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનું શાસન છે. વોર્ડ નંબર 6 માં બે મહિલા કોર્પોરેટર અને બે પુરુષ કોર્પોરેટર એમ ચારેય કોર્પોરેટર ભાજપમાંથી ચૂંટણી લડી અને વિજેતા બન્યા છે અને સમગ્ર વિસ્તારમાં ઉમદા કામગીરી કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વોર્ડ નંબર 6માં રોડ રસ્તા, ગટર અને પીવાનું પાણી જેવા પ્રશ્ન ઉકેલાયા
વોર્ડ નંબર 6 માં ચારેકોર ભાજપના કોર્પોરેટર હોવાથી આ વિસ્તારના સ્થાનિકોને ફાયદો થયો છે. કારણ કે મોટાભાગની ગ્રાન્ટ સમય-સમય પર વાપરી છે અને વર્ષો જૂના રોડ રસ્તા તેમજ ગટરના પ્રશ્ન પણ ઉકેલાયા છે. વોર્ડ નંબર 6 માં એક પણ ખુલ્લી ગટરો જોવા મળતી નથી. તેમજ ઘરે ઘરે નળ મારફતે સ્થાનિકોને પીવાનું પાણી પણ મળી રહે છે અને નવા ભળેલા વિસ્તારમાં અમુક સોસાયટીઓમાં ટેન્કર મારફતે પણ સમયસર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
વોર્ડ નંબર 6માં ઓવરબ્રિજનું કામ થઈ રહ્યું છે પુરજોશમાં
દિગ્જામ સર્કલથી કરોડો રૂપિયાના ખર્ચે ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ બનતાની સાથે જ સ્થાનિકોને જે ટ્રાફિકની સમસ્યા નડી રહી છે, તે પ્રશ્ન પણ કાયમને માટે ઉકેલાઈ જશે. હાલ આ ઓવરબ્રિજનું કામ 70 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે અને ટૂંક સમયમાં બ્રિજ બની જશે.
સ્થાનિકો 100 માંથી 95 ટકા આપી રહ્યા છે કોર્પોરેટરોને
ETV ભારતની ટીમ દ્વારા સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે, મોટા ભાગના પ્રશ્નો આ વિસ્તારના હલ થઈ ગયા છે. ચારેય કોર્પોરેટર ખૂબ સક્રિય છે અને તેઓ ઉમદા કામગીરી કરી રહ્યા છે. ત્યારે કોર્પોરેટરની કામગીરીમાં 100 માથી કેટલા ટકા તેવો પ્રશ્ન પૂછતા જ સ્થાનિકોએ જણાવ્યું કે, ચારેય કોર્પોરેટરોએ 100 માંથી 95 ટકા જેટલુ બેસ્ટ કામગીરી આ વિસ્તાર માટે કરી છે.
નવા ભળેલા વિસ્તારમાં વીજળીનો પ્રોબ્લેમ કાયમી ઉકેલાયો
જામનગરમાં નવા સીમાંકન બાદ વોર્ડનો સીમા વિસ્તાર પણ વધ્યો છે. વોર્ડ નંબર 6 માં અનેક નવી સોસાયટીઓનો સમાવેશ થયો હતો. જોકે, નવી બનેલી સોસાયટીમાં પીવાનું પાણી અને વીજળી મુખ્ય માંગ હતી. ત્યારે સ્થાનિક કોર્પોરેટરો સતત ખત દાખવી અને પ્રજાના પ્રશ્નો ઉકેલ્યા છે. આજે નવા ભળેલા વિસ્તારમાં ઘરે-ઘરે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને જે સોસાયટીમાં નળ દ્વારા પાણી નથી પહોંચતું ત્યા ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.