- જામનગરની ગ્રેઇન માર્કેટ સોમવારે બપોર 2 વાગ્યા બાદ સજ્જડ બંધ
- શહેરના વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી જાહેરાત
- શહેરમાં વધતા કોરોના સંક્રમણના પગલે લેવાયો નિર્ણય
જામનગરઃ શહેરમાં દિનપ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે શહેરના વેપારી એસોસીએશન આગળ આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલી ગ્રેઇન માર્કેટ સતત લોકોથી ધમધમતી જોવા મળે છે. જો કે વેપારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય અને લોકો વધુ સંખ્યામાં સંક્રમિત ન થાય તે માટે વેપારી એસોસિએશન દ્વારા સોમવારે બપોરના બે વાગ્યા બાદ ગ્રેઇન માર્કેટ સજ્જડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. તમામ વેપારીઓએ માર્કેટ બંધના એલાનને ટેકો આપ્યો છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં અઠવાડિયામાં 6 દિવસ દુકાનો ખુલ્લી, માત્ર રવિવારે ભરાતું રવિવારી માર્કેટ બંધ
શનિ રવિ પણ ગ્રેઇન માર્કેટ બંધ રાખવા વેપારીઓને અપીલ
જામનગર શહેરમાં રોજ કોરોનાના વાઈરસના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, તો કોરોના વાઈરસથી મરનારા લોકોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કોરોના સામે જંગમાં વેપારીઓએ ઝંપલાવ્યું છે. વેપારી એસોસિએશન દ્વારા માર્કેટ સજ્જડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. વેપારી એસોસિએશનના પ્રમુખ જીતુ લાલે શનિ-રવિ પણ ગ્રીન માર્કેટ સજ્જડ બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે.