વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપાર માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ અને લઘુ વ્યાપારીઓની વૃદ્ધાવસ્થા સમયે પણ સામાજિક સુરક્ષા જળવાઈ અને સંપૂર્ણ સ્વાવલંબન અને સન્માનપૂર્વક જીવી શકાય તે માટે પેન્શન યોજના અમલી બનાવવામાં આવી છે. જામનગર જિલ્લાના અસંગઠિત શ્રમયોગીઓ અને લઘુ વ્યાપારીઓને પેન્શનનો લાભ મળે તે માટે શનિવારે ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમ માડમના હસ્તે અસંગઠિત શ્રમયોગીની નોંધણી કરવા સંદર્ભે પેન્શન સપ્તાહનો જિલ્લા કક્ષાએ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યોજનાના સભ્યોને સાંસદ પૂનમ માડમના હસ્તે સભ્ય કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ યોજનામાં 18થી 40 વર્ષ સુધીની ઉંમરના અને માસીક રૂપિયા 15000થી ઓછી આવક ધરાવતા અસંગઠીત શ્રમયોગીઓ તથા 1.5 કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવનાર તથા ઈન્કમ ટેક્સને પાત્ર ન હોય તેવા લઘુ વ્યાપારીઓ સભ્ય બની શકે છે. જે સભ્યો દ્વારા ભરવામાં આવતી રકમ જેટલી જ રકમ ભારત સરકાર દ્વારા જમા કરાવવામાં આવશે. આ યોજનાના સભ્યોને 60 વર્ષની ઉંમર બાદ માસીક રૂપિયા 3000 પેન્શન રૂપે મળશે.
આ પ્રસંગે સાંસદ માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સમાજના દરેક વર્ગની ચિંતા કરે છે. કોઈપણ વર્ગ વિકાસપથ પર પાછળ ન રહી જાય તે માટે વડાપ્રધાન સતત ચિંતિત રહેતા હોય છે. સામાજિક સુરક્ષાએ વૃદ્ધાવસ્થા સમયની ખૂબ મહત્વની જરૂરિયાત છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને વૃદ્ધત્વ સમયે કોઈના પણ ઓશિયાળા નહીં રહેવું પડે. આ યોજના થકી દરેક શ્રમયોગીની વૃદ્ધાવસ્થા સંપૂર્ણ સ્વાવલંબી અને સન્માનપૂર્વકની હશે.