જામનગરઃ જામનગરમાં ગુરૂવારે લધાવાડના ઢાળીયા વિસ્તારના વ્યકિતને બદલે ગ્રેઇન માર્કેટના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવ કેસના રિપોર્ટમાં બેદરકારી દાખવતાં એક જ નામના બે વ્યક્તિના કોરોના રિપોર્ટમાં કન્ફ્યુઝન થયું હતું.
જામનગરમાં ગુરૂવારે લધાવાડના ઢાળીયા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય અસલમને બદલે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય અસલમને કોવિડ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય અસલમનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં હોસ્પિટલમાં મોકલાયો હતો. કોરોના રિપોર્ટમાં અસલમ નામના બે વ્યકિત હોવાથી આરોગ્ય વિભાગને કન્ફ્યુઝન થયું હતું. જેને કારણે પોઝિટિવ દર્દીને નેગેટિવ અને નેગેટિવ દર્દીનો પોઝિટિવ જાહેર કર્યો હતો.
આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે પોઝિટિવ દર્દી બહાર ફરતો હતો અને નેગેટિવ દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ અંગે આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા ચોખવટ પણ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે 48 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીની પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.