- જામનગર કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- જામનગર ભાજપના ઉમેદવારોને ક્વોરેન્ટાઈન કરવા કરાઈ અપીલ
- તમામ ઉમેદવાર મુખ્યપ્રધાનને મળ્યા હતા
જામનગરઃ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, તાજેતરમાં જ મુખ્યપ્રધાને જામનગરમાં જાહેર સભાને સંબોધી હતી. આ સભા દરમિયાન જામનગર ભાજપના ઉમેદવારો તેમના સંપર્કમાં આવ્યા હતા. જેથી આ તમામ ઉમેદવારોને ક્વોરેન્ટાઈન કરવામાં આવે.
ભાજપ કોરોના ગાઈડલાઈનનું પાલન કરતી નથી
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું તે, આ સભા દરમિયાન મુખ્યપ્રધાન ભાજપ નેતાઓ, 64 ઉમેદવારો અને કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યા હતા. જેના બીજા દિવસે મુખ્યપ્રધાને વડોદરા ખાતે સભા સંબોધી હતી અને આ સભા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ ભાજપના નેતાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા નથી.
જામનગર ભાજપના 64 ઉમેદવાર CMને મળ્યા હતા
મુખ્યપ્રધાનના સંપર્કમાં આવેલા જામનગરના નેતાઓ, 64 ઉમેદવારો અને કાર્યકર્તાઓને કોવિડ -19ના નિયમ મુજબ 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવા જોઈએ, પરંતુ જામનગર શહેરમાં ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર ચાલુ છે. નેતાઓ અને 64 ઉમેદવારો જે વિજય રૂપાણીના સંપર્કમાં આવ્યા હતા, તે પણ પ્રચાર અર્થે નીકળે છે. જેથી લોકોનું સ્વાથ્ય ખતરામાં છે.
જામનગરમાં કોરોના ફેલાશે તો જવાબદાર કોણ?
શહેર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, તંત્રની સારી કામગીરીથી જામનગરમાં હાલ કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ કાબૂમાં છે, ત્યારે હવે કોરોનાનું સંક્રમણ વધુ વકરે નહીં એ જોવું રહ્યું. આ સાથે જ તેમણે પ્રશ્ન કર્યો હતો કે, જામનગરમાં કોરોના ફેલાશે તો જવાબદાર કોણ?