- જામનગરમાં ઓનલાઇન કોલ સેન્ટર‘રોજગાર સેતુ’નો ઇ-પ્રારંભ
- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કરાવી શરુઆત
- કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકાશે
- એપ્રન્ટિસશિપ યોજનાની પુસ્તિકાનું વિમોચન
જામનગર : રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યપ્રધાને ઓનલાઇન ભરતી મેળા પખવાડિયું 12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરીનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે,‘હર હાથ કો કામ, હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
દરેક યુવાનને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આપણે 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયાનું આયોજન કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ ઓનલાઇન ભરતી મેળામાં 25,000 જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પણ મુખ્યપ્રધાનેએ વ્યક્ત કર્યો હતો.
સિંગલ કોલ નંબર જાહેર કરાયો
મુખ્યપ્રધાનેએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે, તેને સાકાર કરવા આવા રોજગાર મેળાનું આયોજન કરીને તેમજ યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવાની આપણી નેમ છે. ‘અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેને એમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી છે એમ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું. શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, રોજગાર સેતુ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ – કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યનો કોઇપણ ઉમેદવાર એક સિંગલ નંબર 63-57-390-390 ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસ.ના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે.
મુખ્યપ્રધાને પુસ્તિકા વિમોચન પણ કર્યું
રોજગાર તાલીમ નિયામક આલોક પાંડેએ મુખ્યપ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા નવી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા તેમજ જામનગર ખાતેથી કલેક્ટર, રોજગાર મદદનીશ નિયામક સાંડપા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.