- જામનગરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું
- કોરોનાના વધી રહેલા કેસને લઈ પોલીસ દ્વારા માસ્ક ડ્રાઈવ
- માસ્ક વિના ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ
જામનગરઃ શહેરમાં દિવાળીના તહેાવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શુક્રવારના રોજ પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયે કોરોનાને લઈ સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારે શહેરમાં માસ્ક વિના ફરતા લોકો સામે કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.
જામનગરમાં તહેવારો બાદ વધી રહ્યા છે કોરોનાના કેસ
શહેરમાં શનીવારના રોજ જુદી જુદી જગ્યાએ પોલીસ દ્વારા માસ્ક ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસેથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે લોકો માસ્ક વિનાના બહાર નીકળી રહ્યા છે, તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં દિવાળીના તહેવાર બાદ અને શિયાળાની શરૂઆત થતાં જ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે, હજુ પણ કોરોનાને લઈ લોકોમાં અવેરનેસ જોવા મળી રહી નથી અને લોકો માસ્ક વિના ઘરની બહાર નીકળી રહ્યા છે, તેમજ ભીડમાં પણ સામાજિક અંતરના ધજાગરા અનેક જગ્યાએ ઉડતા જોવા મળી રહ્યા છે.
બજારોમાં ભારે ભીડને લઈ હજુ પણ કેસ વધવાની શક્યતા
કોરોનાના વધી રહેલા કેસને લઈને જામનગર પોલીસ હરકતમાં આવી છે. શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો પર પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકો માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે, તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જામનગરની મુખ્ય બજારોમાં હજુ પણ લોકોની ભારે ભીડ એકઠી થઇ રહી છે, ત્યારે આ ભીડના કારણે કોરોનાના કેસ વધે તેવી શક્યતા છે.