જામનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ બિલની ખેડૂતોને સમજણ આપવા માટે જામનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ બિલ સુધારા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત સાંસદ પૂનમ માડમે ખેડૂતોને નવા કૃષિ બિલ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ સાથે આ બિલથી ખેડૂતોને થનારા ફાયદાઓ વિશે પણ અવગત કરાવવામાં આવ્યા હતા.
સાંસદ પૂનમ માડમ સાથે ધારાસભ્ય રાઘવજી પટેલ, જામનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. વિનુ ભંડેરી, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદ સભાયા, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કુમારપાળસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોએ ખેડૂતો સાથે પરામર્શ કરી નવા કાયદાની વિસ્તૃત સમજણ આપી હતી. આ જોગવાઈઓ દ્વારા બમણી આવક કરી રાષ્ટ્રની પ્રગતિ અને અર્થતંત્રની વધુ ગતિશીલતાના સહભાગી બનવા સૌ ખેડૂતોને શુભકામનાઓ પાઠવી હતી.
ખેડૂતોને કૃષિ સુધારા બિલના પગલાંની સમજણ, રાષ્ટ્રની પ્રગતિ અને અર્થતંત્રની વધુ ગતિશીલતાના સહભાગી બનવા ખેડૂતોને શુભકામના આપવામાં આવી હતી. આ સાથે સાંસદ પૂનમ માડમે કહ્યું કે, આ કૃષિ સુધારા બિલ ખેડૂતોને ખરા અર્થમાં આઝાદી, આત્મનિર્ભરતા અને મજબૂતી પ્રદાન કરશે.