જામનગરઃ જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા બચાવ સેવાની કામગીરી કરવામાં આવે છે. તેમની કામગીરી અંતર્ગત તેમણે માત્ર એક જ દિવસમાં શહેર સહિત અલીયાબાળા, સિક્કા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી 32 સરીસૃપને બચાવ્યા હતા. આ સરીસૃપમાં 17 બિનઝેરી સર્પ, 14 ઝેરી સર્પ તથા 1 ચંદન ઘોનો સમાવેશ થાય છે. નેચર ક્લબના 12 સભ્યો આ સેવાકીય કામગીરીમાં લાગ્યા હતા.
વન વિભાગની ટીમે પણ લાખોટા નેચર ક્લબના સભ્યોને આ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. આ ક્લબ કોઈ પણ પ્રકારની ફી લીધા વિના સરીસૃપોને બચાવવાનું કામ કરે છે. દર રવિવારે લાખોટા નેચર ક્લબ દ્વારા સરીસૃપ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે.