- આજે દેશભરમાં એલોપેથી ડૉક્ટરોની હડતાલ
- 12 કલાકની હડતાલમાં જોડાયાં જામનગરના ડૉક્ટરો
- આયુર્વેદિક ડૉક્ટર્સને સર્જરીની છૂટ અપાયાનો વિરોધ
જામનગરઃ જામનગરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ 12 કલાકની હડતાલમાં જોડાયાં છે. સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમામ એલોપથી હોસ્પિટલો બંધ રાખવામાં આવી છે. જો કેે, ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જામનગરમાં એલોપથીના ડૉક્ટર્સ દ્વારા આયુર્વેદ તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
શહેરની 100 હોસ્પિટલો બંધ
જામનગરમાં આજે શુક્રવારે 100થી વધુ એલોપથીની હોસ્પિટલો બંધ રાખવામાં આવી છે અને હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જેના કારણે દર્દીઓને કોઈ હાલાકી ન ભોગવવી પડે. જામનગર શહેરમાંથી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 550 જેટલા ડૉક્ટર હડતાલમાં જોડાયાં છે. આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરી આપવામાં આવતાં ડૉક્ટર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હડતાલનું એલાન કર્યું છે. જો આગામી સમયમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ એલોપથીના ડોક્ટર્સ ઉચ્ચારી રહ્યા છે.