જામનગરઃ જામનગરમાં લાલપુર બાયપાસ પાસે તંત્રએ હજારો ફૂટનું દબાણ દૂર કર્યું છે. જામનગરના રણજીતસાગર રોડ પર મારું કંસારાની વાડી નજીક સરકારી ખરાબાની હજારો ફુટ જમીનમાં ઉભા કરાયેલા પશુઓના તબેલા અને ઓરડાના ગેકાયદેસર બાંધકામનું દબાણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું હતું.
મારૂ કંસારા વાડીની બાજુમાં આવેલી સરકારી ખરાબાની અંદાજે દોઢ વિઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર ઉભા કરાયેલા પશુઓના તબેલા અને ઓરડાનું બાંધકામ મંગળવારે સીટી મામલતદારની આગેવાની હેઠળ જામ્યુકોની એસ્ટેટ શાખાની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. દોઢ વિઘા જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ દબાણ કોર્પોરેટર મરીયમ સુમરા અને તેના પુત્રો દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, આ કાર્યવાહી દરમિયાન કોર્પોરેટર અને તેના પુત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દબાણ હટાવવાની કામગીરી અટકાવવા અંગે અધિકારીઓ તેમજ મહિલા નગર સેવિકા અને તેના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.