જામનગરઃ હાલ રાજયમાં આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે તેવામાં ધ્રોલની અદાલતના ચુકાદાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કોર્ટે એક કેસમાં છ મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ધ્રોલ કોર્ટે જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ, પત્રકાર જીતુ શ્રીમાળી, કરણસિંહ જાડેજા, જયેશભટ્ટ સહીત 5ને તકસીરવાન ઠેરવી સજા સંભળાવી છે, અગાઉ આ કેસ પરત ખેંચવા APP દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ, કોર્ટ દ્વારા આ માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી નહોતી તો બીજી તરફ નામદાર સુપ્રીમ કોર્ટ ધ્વારા ધારાસભ્યો અને સાંસદો સામેના કેસ ઝડપભેર ચલાવવા હુકમ કરવામાં આવ્યો છે.
જેને લઈને આ કેસ ધ્રોલની કોર્ટમાં ચાલી જતાં ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીઓને કેસમાં દોષી ઠેરવવામાં આવ્યાં છે. તમામ આરોપીઓને છ મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફરમાવવામાં આવી છે. જો કે, જાણવા મળતી વિગત અનુસાર તમામ હાલ જામીન મુક્ત થયા છે.