જામનગરઃ ધ્રોલ તાલુકાના આસપાસના 15 જેટલા ગામોમાં દિવસ દરમિયાન 2 કલાક જ વીજળી અપાતા ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. 8 કલાક વીજળી આપવાના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. ધ્રોલ તાલુકાના 15 ગામના 100 જેટલા ખેડૂતો ધ્રોલ વીજકચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નના નિરાકરણની ખાતરી ન મળે ત્યાં સુધી કચેરી ખાતે ધરણાં પર બેસશે. આથી તંત્રના અધિકારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. 15 દિવસમાં જ વીજ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી.
ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ, મોડપર, સુધાધુના, ધરમપુર, લૈયારા, સગાડિયા, ખજૂરડી, જાયવા સહિતના આસપાસના 10થી વધુ ગામમાં પૂરતી વીજળી ન મળતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે તો સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા સાથે માત્ર 2 કલાક પણ પૂરતો વીજ પુરવઠો મળતી ન હોવાથી ખેડૂતો મગફળી, કપાસ કે બીજા અન્ય પાકોમાં પાણી હોવા છતાં પાકને પાણી આપી નથી શકતા. આથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આથી 100થી વધુ ખેડૂતો સાથે મળી ધ્રોલ ખાતે રૂલર જીઈબીની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જ્યાં સુધી વીજપ્રશ્ન ઉકેલવાની ખાતરી ન મળે ત્યાં સુધી કચેરીની અંદર જ ધરણા પર બેસી ગયા છે. જોકે તંત્રએ 15 દિવસમાં વીજ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા ખેડૂતો માની ગયા હતા.
ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકારે 8 કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. ગ્રામ્ય પંથકમાં માંડ 2 કલાક પણ વીજ પુરવઠો મળે છે. અમે છતે પાણીએ પાકને પાણી આપી શકતા નથી, ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડી છે.