ચારણ સમાજ સોનલ ધામ દ્વારા આઈ શ્રી સોનલ માંની જન્મજયંતી સોનલ બીજ તરીકે ઉજવાય છે. શનિવારે સોનલ બીજ હોવાથી શહેરમાં ધૂમધામ પૂર્વક આઈ શ્રી સોનલ માંની જન્મજયંતી સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના નીલકમલ સોસાયટીથી દિગ્વિજય પ્લોટ ખાતે આવેલા સોનલ માંના મંદિર સુધી શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવમાં ચારણ સમાજના શ્રેષ્ઠ વ્યક્તિઓનું, અભ્યાસ ક્ષેત્રે સારૂ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચારણ સમાજના દેવલ માં, ધારાસભ્ય રાઘવજી પટેલ, પૂર્વ મેયર પ્રતિભા બેન કનખરા, સોનલ માં ટ્રસ્ટના પ્રમુખ દેવીદાન ગઢવી, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત, વિસ્તારના કોર્પોરેટર વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચારણ સમાજના લોકો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. સોનલ બીજ મહોત્સવમાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આઈ સોનલ માતાજીએ ચારણ સમાજ માટે 22 જેટલા સુધારાઓ સુચવ્યા હતા. ખાસ કરીને ચારણ સમાજની દિકરીઓ શિક્ષણ મેળવી વધુમાં વધુ શિક્ષિત થાય તે અંગે શિક્ષણની જ્યોત જગાવી હતી. આઈ શ્રી સોનલ માતાજીએ કરી હતી. ત્યારબાદ ચારણ સમાજના યુવક અને યુવતીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત થયા હતા. આજે સમાજના દરેક ક્ષેત્રે ચારણ સમાજના યુવક-યુવતીઓ ઉચ્ચ હોદ્દા પર સ્થાન પામ્યા છે. શનિવારે શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયત્રા કાઢવામાં આવી હતી. સોનલ માતાજીના જન્મોત્સવ નિમિત્તે રાત્રે ભજન, સંતવાણી, રાસોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.