જામનગરમાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન ઇલેક્શનમાં ઝપલાવ્યું
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બુધવારે રોડ શો કર્યો
આમ આદમી પાર્ટીએ લોકો સમક્ષ દિલ્હી મોડલના નામે મત લેવાની રણનીતિ અપનાવી
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. ત્યારે જામનગરમાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન ઇલેક્શનમાં ઝપલાવ્યું છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બુધવારે રોડ શો તેમજ કાર્યાલય ઓપનિંગ અને ચાંદી બજાર ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી.
આમ આદમી પાર્ટી જામનગરમાં ત્રીજો વિકલ્પ ?
સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન, જિલ્લા પચાયત અને તાલુકા પચાયત ચૂંટણીમાં ઝપલાવ્યું છે, ત્યારે ETV BHARAT સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કરવા માટે મેદાનમાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ઝાડુ ફરી વળશે.
હાથમાં ઝાડુ લઈ ચૂંટણી પ્રચાર કર્યો
ગોપાલ ઇટાલિયા યુવા નેતા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીએ લોકો સમક્ષ દિલ્હી મોડલના નામે મત લેવાની રણનીતિ અપનાવી છે. જામનગરના જાહેર માર્ગ પર ગોપાલ ઇટાલિયા એ હાથમાં ઝાડુ લઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો.
આમ આદમી પાર્ટીએ સસ્તું શિક્ષણ અને આરોગ્ય જેવા મુદા લોકો સમક્ષ મુક્યાં
દિલ્હીમાં જે પ્રકારે કેજરીવાલ સરકાર સરકારી શિક્ષણમાં ધરખમ ફેરફાર કરી બેસ્ટ એજ્યુકેશન આપી રહી છે, તો ગલી મહોલ્લામાં ક્લિનિક ખોલી લોકોને ઘર પાસે જ આરોગ્યની સુવિધા મળી રહે તેવા ઉમદા કામ કર્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ પર ચૂંટણી લડી રહી છે. જે ભાજપ અને કોંગ્રેસ માટે આવનારા સમયમાં એક ચેલેન્જ સાબિત થાય તેમ લાગી રહ્યું છે.