• જામનગરની બજારોમાં દિવાળીના તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ
• માસ્ક અને સામાજીક અંતરના દંડથી વેપારીઓ પરેશાન
• ગત વર્ષની સરખામણીએ 40 ટકા જ ગ્રહકો
• શહેરની મુખ્ય બજારો સૂમસામ
જામનગરઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરની બજારોમાં ફિક્કો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના સંક્રમણના ડરના કારણે લોકો બહાર નિકળવાનું ટાળે છે. એક તરફ કોરોનાનો ડર અને એક તરફ કોરોના દરમિયાન સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ. આ લોકડાઉનના કારણે તમામ લોકોના રોજગાર ધંધા બંધ પડ્યા હતા. આથી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોની ખરીદદારી પણ ખૂબ ઓછી જોવા મળી રહી છે. તેના કારણે વેપારીઓ ગત વર્ષની સરખામણીમાં ઓછો વકરો કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે વેપારીઓની દિવાળી ચોક્કસથી બગડે તેવો ઘાટ સર્જાયો છે.
![dull-atmosphere-in-the-markets-of-jamnagar-despite-the-festival-of-diwali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9454480_jamnagar.jpg)
શહેરની મુખ્ય બજારો સૂમસામ
દિવાળીના બે સપ્તાહ પૂર્વ શહેરની જે બજારોમાં પગ મૂકવાની જગ્યા ન મળતી હોય તે બર્ધન ચોક, માંડવી ટાવર અને લિંડી બજાર સહિતની મુખ્ય બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. આ બજારોમાં શહેર અને જિલ્લા ભરમાંથી નાના-મધ્યમ પરિવારો ખૂબ મોટી સંખ્યામાં દિવાળીના તહેવારોની ખરીદી કરતા હોય છે, તે હાલ સુમસામ ભાસી રહી છે. ક્યાંક ને ક્યાંક કોરોનાનું ગ્રહણ દિવાળીના તહેવારને પણ લાગ્યું હોય ત્યારે બજારમાં મંદીના માહોલના કારણે વેપારીઓની દિવાળી બગડે તેવો માહોલ સર્જાયો છે.
કોરોના ગાઈડલાઈનથી વેપારીઓ પરેશાન
વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ તન્નાના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગ્રાહકોનો મૂડ ઓફ છે, તો વેપારીઓમાં પણ ડરનો માહોલ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન મુજબ વેપાર ધંધા ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી છે, આ ગાઈડલાઈન મુજબ સામાજીક અંતર જાળવવું અને માસ્ક ફરજિયાત પહેરવાના નિયમોથી વેપારીઓ પરેશાન થયા છે. પોલીસકર્મીઓ ગમે ત્યારે વેપારીઓને રૂ.1000નો દંડ ફટકારે છે. તો ગામડાના ગ્રાહકો હજુ શહેર ખરીદી કરવા આવતા ડરી રહ્યા છે. તો બીજી બાજુ મગફળીની સિઝન ચાલુ છે, તો આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોને પણ પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજારોમાં 40 ટકા જ ખરીદારી જોવા મળી રહી છે. તેમજ મેગા સીટીમાંથી માલની સપ્લાય ન થતા વેપારીઓ માલનું વેચાણ નથી કરી શકતા.