• જામનગરમાં કોરોના અટકાવવા તંત્ર દ્વારા કવાયત
• કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી
• ખોડિયાર કોલોનીમાં ચા અને પાનના ધંધાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
જામનગર: શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસો માટે મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખોડિયાર કોલોની પાસે 80 ફૂટ રોડ અને નીલકમલ સોસાયટીમાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન ચા-પાનની બે દુકાનના સંચાલકો કોરોના પોઝિટિવ મળી આવતા ભારે ચકચાર મચી છે.
શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓ પર કરવામાં આવી રહ્યું છે ટેસ્ટિંગ
તંત્ર દ્વારા તાત્કાલિક દુકાનદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મનપા દ્વારા ભીડ ભેગી થતી હોય તેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. એસ્ટેટ વિભાગના રાજભા ચાવડા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક બંને દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. હજુ પણ આવી ઝુંબેશ અવિરતપણે ચાલુ રહેશે તેવું મહાનગરપાલિકાના વર્તુળો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ડેપ્યુટી DDO કીર્તન પરમાર આરોગ્ય ટીમની સાથે કોરોના ટેસ્ટિંગ ઝુંબેશમાં જોડાયા હતા.
જામનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ ભીડભાડવાળા વિસ્તારમાં તપાસની કામગીરી કરી હતી. જેમાં જુદા જુદા 3 સ્થળો રણજીત નગર શાકમાર્કેટ, ખોડીયાર કોલોની રીક્ષા સ્ટેન્ડ, એસટી બસ સ્ટેન્ડ પર મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કમિશનર સતિષ પટેલે પણ આ અંગે ટીમ સાથે તપાસ કરી હતી.