- જામનગરમાં સવા ત્રણસો વર્ષથી રમતા ઈશ્વર વિવાહનું આયોજન થાય છે.
- કોરોનાના પગલે આ વર્ષે બેઠા ઈશ્વરવિવાહનું આયોજન
- વિવાહમાં સામેલ થવા ધોતી, અબોટીયુ પહેરવું અને કપાળમાં ચંદન ફરજિયાત
જામનગર: જલાની જારના ચોકમાં સવા ત્રણસો વર્ષથી યોજાતા પુરુષોની ગરબીમાં આ વખતે પહેલી વખત રમતા ઈશ્વર વિવાહને બદલે બેઠા ઈશ્વરવિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રિને લાગ્યું કોરોના ગ્રહણ
નવરાત્રી એટલે આદ્યશક્તિની પૂજાનું પવિત્ર પર્વ માતાજીની પુજા, અનુષ્ઠાન, તપ અને આરતી-ગરબાનું નવરાત્રિમાં વિશેષ મહત્વ હોય છે. જામનગર ધાર્મિક પર્વની ઉજવણીમાં હંમેશા ઉત્સાહ દેખાડે છે. સામાન્ય રીતે શહેરમાં 400થી વધુ સ્થળે સાર્વજનિક અને પરંપરાગત નવરાત્રિ યોજાય છે. જેમાં 30 હજારથી વધુ બાળાઓ અને બે હજારથી વધુ બાળકો રાસ-ગરબાની રમઝટ બોલાવતા હોય છે. નવરાત્રિની ઉજવણીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પરિણામે 95 ટકાથી વધુ આયોજનો રદ થયા છે અને માત્ર 25-30 સ્થળે જ મર્યાદિત રીતે આરતી-ગરબાનું આયોજન થયું છે.
પુરુષો ગીત ગાઈ કરે છે સ્તુતિ
જામનગરમાં જલાની જારના ચોકમાં આશરે સવા ત્રણસો વર્ષથી પુરુષોની ગરબી યોજાય છે. સંગીતના કોઇ આધુનિક સાધનનો ઉપયોગ થતો નથી કે પ્રોફેશનલ મ્યુઝીશ્યન, સીંગર રખાતા નથી. રમનારા જ ગરબા ગાય છે. આ ગરબીમાં કોઇ પણ જ્ઞાતિ ભેદ વગર 5 વર્ષના બાળકથી લઇને 80 વર્ષના વૃદ્ધ સામેલ થઇ શકે છે. શર્ત માત્ર એટલી છે કે તેણે ધોતી, અબોટીયુ પહેર્યુ હોવું જોઇએ અને કપાળમાં ચંદન લગાડેલ હોવું જોઇએ.
આ ગરબીમાં પણ આ વખતે બેઠા ગરબા જ યોજાયા છે અને તેથી જ ઈશ્વરવિવાહ પ્રસંગ પણ તે રીતે જ યોજાશે. કોરોનાને લીધે ઈશ્વરવિવાહ રમી શકાશે નહી તેવો નિર્ણય ગરબી સંચાલકોએ લીધો છે. સવા ત્રણસો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ઈશ્વર વિવાહ બેસીને જ ગવાશે અને તે પણ મર્યાદિત સંખ્યામાં લોકો હશે. અહીં દર નવરાત્રિએ સાતમા નોરતાની રાત્રે 12 વાગ્યા બાદ સંત દેવિદાસ રચિત ઈશ્વર વિવાહનો પ્રસંગ યોજાય છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગને ઈશ્વર વિવાહ તરીકે મનાવાય છે. આજે બેસીને ઇશ્વર વિવાહનો કાર્યક્રમ રાત્રે 12 વાગ્યે શરૂ થયો હતો અને પરોઢીયે અઢી-ત્રણ વાગ્યે સંપન્ન થયો હતો.