- ભારતીય નૌસેનાની સૌથી મોટી સમુદ્રતટ સંરક્ષણ કવાયત
- આ કવાયત ભારતના સંપૂર્ણ 7516 કિમીના દરિયાકાંઠા વિસ્તારમાં યોજાશે
- દેશમાં સમુદ્રી અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત કરવામાં મદદરૂપ
જામનગરઃ સમગ્ર ભારતમાં યોજાતી દ્વિવાર્ષિક સમુદ્રતટ સંરક્ષણ કવાયતના બીજા સંસ્કરણ ‘સી વિજીલ 21’નું આયોજન 12- 13 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવશે. આ કવાયતનું પ્રથમ સંસ્કરણ જાન્યુઆરી 2019માં યોજવામાં આવ્યું હતું; આ કવાયત ભારતના સંપૂર્ણ 7516 કિમીના દરિયાકાંઠા વિસ્તારમાં યોજાશે અને વિશેષ ઇકોનોમિક ઝોન પણ તેમાં આવરી લેવામાં આવશે.
![ભારતીય નૌસેનાની સૌથી મોટી સમુદ્રતટ સંરક્ષણ કવાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:05:59:1610458559_gj-jmr-01-navvy-vision-7202728-mansukh_12012021114821_1201f_1610432301_774.jpg)
સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓની કવાયત
દરિયાકાંઠાના તમામ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ માછીમાર સમુદાય અને દરિયાકાંઠાના સમુદાયો સહિત અન્ય સમુદ્રી હિતધારકો સામેલ રહેશે. આ કવાયતમાં સંકલનનું કાર્ય ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમુદ્રી માર્ગનો ઉપયોગ કરીને મુંબઇમાં 26/11 આતંકી હુમલો કરવામાં આવ્યો તે પછી સમગ્ર સમુદ્રકાંઠાની સુરક્ષાનું સેટઅપ ફરીથી તૈયાર કરવામાં આવ્યું છે. આમાં ભૌગોલિક વિસ્તાર, સામેલ હિતધારકોની સંખ્યા, ભાગ લઇ રહેલા એકમોને પૂરા કરવાના હેતુઓના સંદર્ભમાં આ કવાયતની વ્યાપકતા અને પરિકલ્પનાનું વિસ્તરણ અભૂતપૂર્વ છે. આ કવાયત મુખ્ય થિયેટર સ્તરની કવાયત TROPEX (થિયેટર સ્તર પૂર્વ તૈયારી પરિચાલન કવાયત)ની જેમ તૈયાર કરવામાં આવી છે. જે ભારતીય નૌસેના દ્વારા દર બે વર્ષે યોજવામાં આવે છે.
![ભારતીય નૌસેનાની સૌથી મોટી સમુદ્રતટ સંરક્ષણ કવાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:05:59:1610458559_gj-jmr-01-navvy-vision-7202728-mansukh_12012021114821_1201f_1610432301_476.jpg)
કસ્ટમ્સ અને અન્ય સમુદ્રી એજન્સીઓની અસ્કયામતો ભાગ લેશે
સી વિજીલ અને TROPEX બન્ને સાથે મળીને સમુદ્રી સુરક્ષા સંબંધિત તમામ પ્રકારના પડકારો આવરી લેશે. જેમાં શાંતિથી સંઘર્ષ સુધીના પરિવર્તન સહિતની તમામ બાબતો આવરી લેવામાં આવી છે. ભારતીય નૌસેના, તટરક્ષક દળ, કસ્ટમ્સ અને અન્ય સમુદ્રી એજન્સીઓની અસ્કયામતો સી વિજીલમાં ભાગ લેશે. જેની સુવિધા સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, જહાજ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, કસ્મ્ટસ, રાજ્ય સરકારો અને કેન્દ્ર/રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે.
![ભારતીય નૌસેનાની સૌથી મોટી સમુદ્રતટ સંરક્ષણ કવાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:06:00:1610458560_gj-jmr-01-navvy-vision-7202728-mansukh_12012021114821_1201f_1610432301_1009.jpg)
પૂર્વ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે સર્વોચ્ચ સ્તરની તકો
રાજ્યો દ્વારા તેમના પડોશી રાજ્યો સાથે મળીને સંયુક્ત કવાયતો સહિત નિયમિત ધોરણે, નાના કદની કવાયતોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા કવાયત યોજવાનો ઉદ્દેશ મોટા હેતુને સિદ્ધ કરવાનો છે. જેમાં સમુદ્રી સુરક્ષા અને સમુદ્રતટના સંરક્ષણના ક્ષેત્રમાં આપણી પૂર્વ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે સર્વોચ્ચ સ્તરની તકો પ્રાપ્ત થાય છે. સી વિજીલ 21 કવાયત આપણી તાકાત અને નબળાઇઓનું વાસ્તવિક મૂલ્યાંકન પૂરું પાડશે અને આ પ્રકારે દેશમાં સમુદ્રી અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત કરવામાં મદદરૂપ થશે.