- જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાનો સોમવારથી પ્રારંભ
- રાજ્યની 6 મહાપાલિકાઓમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ
- આજથી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ
જામનગરઃ મહાનગરપાલિકાની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સોમવારથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર જિલ્લા પંચાયતની 24 ઉપરાંત ધ્રોલ તાલુકા પંચાયની 16, જોડિયાની 16, જામજોધપુરની 18, લાલપુરની 18, જામનગરની 26 તથા કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકની ચૂંટણી માટે આજે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ તાલુકા પંચાતયો માટે પણ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ
જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતોની 112 બેઠક માટે ભાજપમાં કુલ 413 દાવેદારો નોંધાયા છે, જ્યારે જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 124 દાવેદારો નોંધાયા છે. પક્ષની પાર્લામેન્ટરી કમિટી દ્વારા આ દાવેદારોમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. મહાપાલિકાની પસંદગી પ્રક્રિયા બાદની સ્થિતિને ધ્યાનમાં રાખી ભાજપ મોવડી મંડળ દ્વારા પંચાયતોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ મોટાભાગની પંચાયતોમાં સત્તા સ્થાને રહેલી કોંગ્રેસ માટે પણ ગઢ જાળવી રાખવા પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું છે. બન્ને પક્ષોમાં બળવાની સ્થિતિને ધ્યાનમાં રાખી છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવું જણાઇ રહ્યું છે.