- 20ના સગીર અને 14 વર્ષની સગીરાના લગ્ન અટકાવ્યા
- જાગૃત નાગરિકે ચાઈલ્ડ લાઈન 1098 પર કરી ફરીયાદ
- સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ, ચાઈલ્ડ લાઈન- 1098ની સફળતા
જામનગર: જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બાળલગ્ન થતા અટકાવ્યા છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે તથા ચાઈલ્ડ લાઈન 1098 એ જામનગર શહેરના વુલનમીલ દિગ્જામ સર્કલ પાસેના વિસ્તારમાં યોજાઈ રહેલા લગ્ન બાળલગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ, ચાઈલ્ડ લાઈન- 1098 સાથે રાખીને વુલનમીલ વિસ્તારમાં પહોંચી ગઈ હતી.
સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ હરકતમાં
ઘટના સ્થળે 18 વર્ષથી નીચેની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અંદાજે 20 વર્ષના સગીર અને તેમના માતા-પિતાને સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. જામનગરના બાળલગ્ન પ્રતિબંધક અધિકારીના સમજાવ્યા બાદ સગીરાના માતાપિતા માની ગયા હતા અને આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. જ્યારે યુવતીની ઉંમર 18 વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. દરમિયાન ટીમે પૃચ્છા કરતાં વરરાજાની ઉંમર ૨૦ વર્ષ હોવાનું બહાર આવ્યું હતું. જે આધારે સમાજ સુરક્ષા ટીમે ત્યાં જઈને તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે 20 વર્ષ અને ૧૪ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજાનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપતાં તેમને પોતાની ભૂલ સમજાઈ હતી અને લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.
વાલીઓને ભૂલ સમજાઈ અને લગ્ન નહિ કરવાનો લીધો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, કેટલાક ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં આજે પણ બાળ લગ્ન થઈ રહ્યા છે. જામનગરમાં આ વર્ષ દરમિયાન હાલ સુધીમાં જામનગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ છઠ્ઠા લગ્ન અટકાવવામાં આવ્યા છે, જે સામાજીક દૂષણને નાબૂદ કરવા માટેની તંત્રની પ્રતિબધ્ધતા દર્શાવે છે, સાથે જ નાગરિકો અને વાલીઓએ પણ આ વિષે જાગૃત થઇ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિચારવું આવશ્યક છે તેવો સંદેશો પણ આપે છે.
બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઇએ તો સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક/યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ/બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રુપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.
બાળ લગ્ન થતા અટકાવવા શું કરવું ?
સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર/આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે અથવા થાય છે તેવી આપને જાણ મળે તો તે બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2570306), જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી (0288-2571098), ચાઈલ્ડ હેલ્પ લાઈન (1098) પર આપ લેખિત/ટેલિફોનિક જાણ કરી શકો છો. જેથી સમાજમાં બાળલગ્ન નાબુદ કરવા માટે સહીયારો પ્રયાસ અને કામગીરી થઇ શકે.
આ પણ વાંચો: પોરબંદરના એક ગામે સમાજ સુરક્ષા વિભાગે બાળ લગ્ન અટકાવ્યા