• પ્રધાન હકુભાના હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા
• સરકારને રાજ્યના જન-જનની ચિંતાઃ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા
• રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નવા 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓ
જામનગરઃ આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મહામારીના સમયમાં સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન લાગુ પડેલ હતું. ત્યારે રાજ્ય સરકારે લોકોને આવશ્યક ચીજવસ્તુઓ વધુ જથ્થોનો સરળતાપૂર્વક મળી રહે અને કોઈ પણ ભૂખ્યો ન રહે તે માટે છેવાડાના માનવી સુધી વિનામૂલ્યે અન્ન પહોંચાડવાની અભૂતપૂર્વ કામગીરી કરી છે. જેની સમગ્ર ગુજરાતની જનતા સાક્ષી રહી છે. વિકટ પરિસ્થિતિમાં સમગ્ર રાજ્યની જનતા સાથે અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરેલ, લોકડાઉનને કારણે પોતાના વતનમાં જે નથી જઇ શક્યાં તેમ જ જેની પાસે કોઈ આધારપુરાવા નથી તેઓને પણ તેમની જરૂરીયાત મુજબનું અનાજ આ સંવેદનશીલ રાજ્ય સરકારે પહોંચતું કર્યું છે. રાજ્ય સરકાર એન.એફ.એસ.એ કાર્ડ ધારકોને વ્યાજબીભાવે અનાજ વિતરણ કરે છે. જેના નિયમોમાં સંવેદનશીલ ફેરફારો કરી મુખ્યપ્રધાનએ વધારાના 10 લાખ કુટુંબોનો સમાવેશ કરી 50 લાખ જેટલા લાભાર્થીઓને એન.એફ.એસ.એ કેટેગરી દ્વારા પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરી છે.
પ્રધાન હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા
પહેલા 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિને જે લાભ મળતો તે હવે 60 વર્ષના વૃદ્ધોને પણ એન.એફ.એસ.એ. કેટેગરી અંતર્ગત મળશે. આ સાથે જ પહેલા ત્રણ પૈડાવાળા વાહનો હોય તેવા લોકોને પણ એન.એફ.એસ.એ.ના લાભ ન મળતા, જે હવે આ પ્રકારના વાહનો ધરાવતા હોય તેઓને પણ મળશે. ‘વન નેશન વન રેશનકાર્ડ’ અંતર્ગત સમગ્ર દેશમાં કોઈપણ વ્યક્તિને કોઈપણ રાજ્યમાંથી પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો આસાનીથી મેળવી શકાશે જે માટે અમલવારી પણ થઈ ચૂકી છે. જામનગર જિલ્લામાં અનેક ઉદ્યોગમાં અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજગારી મેળવવા આવે છે ત્યારે જે લોકો પાત્રતા ધરાવે છે, તેને પોતાના રાજ્યના કાર્ડ ઉપર પણ અહીંની કોઈ પણ વાજબી ભાવની દુકાને થી અનજનો જથ્થો મેળવી હવે રાહત મળશે. બાંધકામ શ્રમિકો, દિવ્યાંગ, વૃધ્ધો, પેન્શન મેળવતા લાભાર્થીઓ તથા વિધવા સહાય મેળવવા ગંગાસ્વરૂપ બહેનોને પણ એન.એફ.એસ.એ. કેટેગરી હેઠળના લાભો મળતા થયા છે.
જિલ્લાના 11,675 નવા લાભાર્થી
હાલ જિલ્લામાં 2870 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓ,2375 વૃદ્ધ પેન્શનર્સ અને 2715 ગંગાસ્વરૂપ બહેનો તથા 3715 બાંધકામ શ્રમિકો મળી કુલ 11.675 જેટલા નવા લાભાર્થીઓનો સમાવેશ કર્યો છે. હજુ પણ આ ઝુંબેશની કામગીરી ચાલુ છે, જેમાં નવા લાભાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે ત્યારે સંવેદનશીલ સરકાર રાજ્યના જન-જનની ચિંતા કરે છે તે આજે લોકોએ સ્વાનુભાવ કર્યો છે તેમ પ્રધાને ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યપ્રધાનના પ્રવચનનું ઓનલાઈન પ્રસારણ તથા કોવિડ-19 દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કામગીરીની ફિલ્મ તેમજ કિસાન સૂર્યોદય યોજનાના ફિલ્મનું નિદર્શન કરવા ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓના અભિવાદનની સાથે રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કલેક્ટર રવિશંકર અને પ્રાંત અધિકારી આસ્થા ડાંગર તેમજ અન્ય મહાનુભાવો-પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.