જામનગરઃ જિલ્લાના વિજરખી પાસે ચાલુ એસટી બસે યુવાનની હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. જામનગર એસ ટી ડેપોની બસ જામનગરથી જૂનાગઢ જઈ રહી હતી તે દરમિયાન વિજરખી રોડ પર ચાલુ બસે માથાકૂટ દરમિયાન આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ ચાલુ બસે બે પેસેન્જરોએ માથાકૂટ કરી હતી અને બાદમાં એક ઉશ્કેરાયેલા પેસેન્જરે પોતાની પાસે રહેલી છરીથી 40 વર્ષીય યુવક પર હુમલો કર્યો હતો અને બીજા પેસેન્જરનું ઢીમ ઢાળી દિધુ હતું.
મૃતક યુવક મૂળ કાલાવડનો રહીશ છે તો હત્યારો અમદાવાદનો રહીશ હોવાનું બહાર આવ્યું છે. ચાકુથી હુમલો કરી યુવાનની હત્યા નિપજાવવામાં આવી.
![હત્યારાને લોકોએ ઝડપી થાંભલા સાથે બાંધી દીધો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-04-hatya-7202782-mansukh_26082020232022_2608f_1598464222_309.jpg)
ઉલ્લેખનીય છે કે બસમાં હત્યા કર્યા બાદ હત્યારો ભાગી જવાની ફિરાકમાં હતો જો કે વિજરખી પાસે બસના ડ્રાઇવરે બસ થભાવી દીધી હતી અને બાદમાં અન્ય લોકોની મદદથી હત્યારાને ઝડપી લીધો હતો અને બાદમાં એક થાંભલામાં બાંધી દીધો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બી ડિવિજનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હત્યારાની ધરપકડ કરવામાં આવી છે.
જો કે ચાલુ બસે હત્યા થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, જેમાં પેસેન્જરોએ બંને વ્યક્તિઓને ઝગડતા કેમ અટકાવ્યા ન હતા. જ્યારે હત્યા કર્યા બાદ હત્યારાને ગ્રામજનોની મદદથી થાંભલા બાંધી દેવામાં આવ્યો હતો.