જામનગર : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને લઈને સરકારી હોસ્પિટલના ડૉક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા દિવસ-રાત એક કરીને પોતાની પણ પરવાહ કર્યા વગર કોરોના વૉરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યાં છે. તેવા વખતે જ જામજોધપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અધિક્ષકની કામગીરીમાં ચંચુપાત કરી લાલપુર પ્રાંત અધિકારી દ્વારા ટેલિફોનિક વાતચીતમાં ગર્ભિત ઉગ્ર શબ્દો કહેવામાં આવતાં મામલો ગરમાયો છે.
પ્રાંત અધિકારીના અશોભનીય વર્તનથી ટેન્શનમાં આવી ગયેલાં ડૉક્ટર હાલ રજા ઉપર ઊતરી ગયાં હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. બીજી તરફ બન્ને અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જાણવા મળતી વિગતો મુજબ જામજોધપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ.મેઘપરા કોરોના કાળમાં સતત પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. તેમજ જામજોધપુર તાલુકાના લોકોને સંતોષકારક કામગીરી આપી રહ્યાં છે. ત્યારે આવા સમયે જ લાલપુર પ્રાંત અધિકારી દ્વારા ટેલિફોનિક સંપર્ક સાધી ડૉ. મેઘપરાનો ‘તમે કલેકટર છો?’ તેવા સવાલ કરી ખખડાવામાં આવતાં હાલ બન્ને અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હાલ માનસિક પરેશાનીના કારણે ડોક્ટરની તબિયત અસ્વસ્થ થતા રજા ઉપર ઊતરી ગયાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને ઍન્ટિજન ટેસ્ટની કામગીરી પણ અટકી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલના આ કોરોનાના કપરા સમયે જ ઉચ્ચ અધિકારી દ્વારા જામજોધપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને કોઈપણ કારણસર હેરાન કરવામાં આવતા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અન્ય સ્ટાફમાં પણ આ ઘટનાના ઘેરાં પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.