ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે 26 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ભાજપે પોતાના બે ઉમેદવાર જાહેર કરી દીધાં છે. કોંગ્રેસે પણ આજે રાજ્યસભા ચૂંટણી માટે સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં બપોર બાદ શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનું નામ વાયુવેગે પ્રસરી ગયું હતું અને તેઓને ગુજરાતમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે તેવા પણ સોશિયલ મીડિયા થકી મેસેજ વાયરલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ આ બાબતે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ખુલાસો આપતા જણાવ્યું હતું કે દિલ્હી કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ પણ નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે દિલ્હી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવશે ઉપરાંત જે નામ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યાં છે તે નામ પણ ખોટા છે.કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાય છે તેવી વાતોને રદીયો આપતાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસના એકપણ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં. જ્યારે ઉમેદવારોના નામને લઈને કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા છે તે બાબતે પણ શૈલેષ પરમારે જણાવ્યું હતું કે દિલ્હી કોંગ્રેસ દ્વારા જે પણ નામ જાહેર કરવામાં આવે તેમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સમર્થનમાં રહેશે..