- નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
- ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
- અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ
ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.
ગુજરાત બજેટમાં કલ્પસર વિભાગ માટે રૂપિયા 1501 કરોડની જોગવાઈ
ભાડભૂત બેરેજ યોજના
નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલા ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર રૂપિયા 5322 કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી 4 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ બેરેજમાં 599 મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. જેના કારણે નર્મદા નદીમાં 70 કિલોમીટર લંબાઈમાં ખારાશ અટકશે. આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે. વધુમાં, ભાડભૂત બેરેજ ઉપર 6 માર્ગીય બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં 37 કિલોમીટરનો ઘટાડો થશે. બેરેજની આ કામગીરી માટે રૂપિયા 1453 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સૂક્ષ્મ સિંચાઈ
સૂક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા માટે મે-2005થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનારા વિવિધ વર્ગના ખેડૂતોને 70થી 90 ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં 19,68,000 હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી છે. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ 127000 હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે રૂપિયા 679 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નર્મદા યોજના
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી 17,92,000 હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ 100 ટકા, શાખા નહેરનું કામ 97 ટકા, વિશાખા નહેરનું કામ 95 ટકા, પ્રશાખા નહેરનું કામ 91 ટકા, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ 87 ટકા પૂર્ણ થયું છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમિયાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવી છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂપિયા 7370 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.