મુખ્ય પ્રધાન સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા રાજ્ય અનામત પોલીસ દળના કર્મીઓએ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાના યોગદાન રૂપે સ્વૈચ્છિક ફાળા પેટે એકત્ર કરેલા 51 હજારનો ચેક મુખ્ય પ્રધાનને અર્પણ કર્યો હતો. આ મુદ્દે સુરક્ષા જવાનોને કહ્યું હતું કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિનું અને અસત્ય પર સત્યના વિજયનો આ પર્વ છે. મંગળવારે રાવણ દહન કરીને સમાજમાં પ્રવર્તતા અનિષ્ટોનું સમયકાળ અનુસાર દહન કરવાની પરંપરા પણ સદીઓથી ચાલતી આવી છે. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન સમીના વૃક્ષમાં છુપાવેલા શસ્ત્રોનું પૂજન કરી તેને પાછા મેળવ્યા હતા, તે પ્રસંગ પણ મુખ્ય પ્રધાને યાદ કર્યો હતો.
વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, મંગળવારે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ફ્રાન્સમાં રાફેલનું પૂજન કરી ભારતને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન અપાવવા અને સુરક્ષાના મામલામાં ભારત વિશ્વની સરખામણીએ અતિ સજ્જ છે તેવી પ્રતીતિ સૌને કરાવી છે. શસ્ત્ર અને શાસ્ત્રોનું સન્માન પૂજન આપણા ઇતિહાસ સાથે સંકળાયેલા છે. હવે આધુનિક શસ્ત્રો સુરક્ષા સલામતી માટે ઉપલબ્ધ છે. આ પૂજામાં મુખ્ય પ્રધાન સુરક્ષા વ્યવસ્થાના અધિકારીઓ પણ ઉત્સાહ ભેર જોડાયા હતા.