- દેશની યુવા પેઢીનું દુશ્મન છે ડ્રગ્ઝ
- ડ્રગ્સથી યુવાનો દોરાય છે ભ્રામક દુનિયા તરફ
- ક્ષણભરના આનંદમાં ભવિષ્ય બને છે અંધકારમય
ગાંધીનગર : નશીલા પદાર્થોના સેવનમાં ગર્ક યુવા પેઢી એટલે લોહીનું એક ટીપું પણ પાડ્યાં વિના દેશને બરબાદ કરવાનું અમોઘ શસ્ત્ર. પ્રાચીન સમયમાં પશ્ચિમી જગતની મહાન શક્તિશાળી સંસ્કૃતિના પતન બાદ સર્વનાશના જે તારણો ઇતિહાસકારોએ તારવ્યાં હતાં તેમાં આ પણ હતું. હાલમાં આપણા દેશમાં, રાજ્યમાં યુવાધનને નાશના માર્ગે લઇ જઇ ખતમ કરવાની નાપાક કોશિશો અટકાવવાને લઇને સખ્તાઇ ( War Against Drugs ) વર્તવામાં આવી રહી છે. જેને લઇને અબજો રુપિયાના નશીલા કારોબારીઓના નેટવર્કને ફટકો મારવામાં આવી રહ્યો છે. બીજીબાજુ ડ્રગ્ઝ એડિક્શનનો ( Drugs Addiction ) ભોગ બનેલા લોકોના શરીર પર આ લતની કેવી કેવી અસરો થાય છે તે વિશે જાણવા અમદાવાદના ડોક્ટર એસ. જે. મેતલીયા સાથે ખાસ વાત કરી હતી. ડો. મેતલીયાએ જણાવ્યું હતું કે ડ્રગ્સના ઉપયોગથી નવયુવાનોમાં અનેક પ્રકારના ફેરફાર સાથે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે સમગ્ર દેશ દસ વર્ષ જેટલો પાછળ પણ ધકેલાઈ જાય છે.
સફેદ ઝેર છે એમ.ડી. ડ્રગ્સ
તેની અસરો વિશે જોઇએ તો એમ.ડી. ડ્રગ્સના સેવનથી 72 કલાક ઊંઘ નથી આવતી. એમ.ડી. ડ્રગ્સ લીધા બાદ એકાગ્રતા વધે છે. હાર્ટ રેટમાં વધારો થાય છે, જેથી હાર્ટ એટેકની શકયતાઓમાં વધારો થાય છે. મહિલાઓમાં ડ્રગ્સનું સેવન વધુ હોય તો મહિલાઓમાં ડ્રગ્સ સેવન બાદ સેક્સની કામોટેજનામાં વધારો કરે તેવી મિથ્યા ભ્રમણા છે. લાંબે ગાળે શરીરની ઇન્દ્રિયો પરની પકડ નબળી પડતી જાય છે. મહિલાઓ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકતી નથી. જે મહિલા ડ્રગ્સ લેતી હોય તેના બાળકોનો સંપૂર્ણ વિકાસ થતો નથી.
ક્ષણ માટેનો આનંદ અને ભયાનક બીમારીને આમંત્રણ
એસ.જે. મેતલીયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ડ્રગ્સના સેવનને ( Drugs Addiction ) કારણે ફક્ત ક્ષણભરનો જ આનંદ પ્રાપ્ત થાય છે. જ્યારે ત્યારબાદ અમુક સમયગાળા પછી જે તે વ્યક્તિ ડ્રગ્સ લેતો હોય તેને અત્યંત ભયાનક બીમારીને આમંત્રણ આપે છે. આમ આ બીમારીની જો વાત કરવામાં આવે તો હાર્ટએટેક, બ્રેઈન સ્ટ્રોક, બ્રેઇન હેમરેજ સાથે જ આંતરડા, લીવર, કીડની જેવા શરીરના મહત્વના ભાગો પર ખૂબ જ ભયંકર રીતે હુમલો કરે છે જેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ નીપજી શકે છે.
કૃત્રિમ રીતે હોર્મોન્સમાં વધારો થાય છે
ડો. એસ.જે. મેતલીયાએ વધુમાં જણાવ્યું હતું લે ડ્રગ્સ લેવાને કારણે શરીરમાં હોર્મોન્સ હોય છે તેમાં કૃત્રિમ રીતે વધારો થાય છે. જે ફક્ત અમુક ગણતરીના સમય માટે જ હોય છે. જ્યારે આ પ્રકારના ડ્રગ્સ લેવાને કારણે એટ્રેલિન, નોન એટ્રેલિન, ડોપામીન અને સેરોટેનિક જેવા હોર્મોન્સમાં વધારો થાય છે જે આગામી ભવિષ્યમાં ખતરનાક નીવડે છે.
ડ્રગ્સ એડિકશનના મહત્વના કારણો ક્યાં ?
અમદાવાદમાં ડ્રગ્સ પર રિસર્ચ કરતા એઝાઝ શૈખે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સબ કલચરને કારણે યુવાનો ડ્રગ્સ એડિકટ ( Drugs Addiction ) બનતા જઇ રહ્યાં છે. જ્યારે 3 મહત્વના કારણોની વાત કરીએ તો સબ કલચર, સ્ટ્રેસ અને ઇમોશનલ પેન મહત્વના કારણો રિસર્ચ દરમિયાન સામે આવ્યા છે. એ ઉપરાંત અમદાવાદ શહેરમાં 18 થી 35 વર્ષના યુવાનો પર ખાસ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 40 ટકા યુવાનો કોઈને કોઇ રીતે ડ્રગ્સ લઈ રહ્યાં છે જ્યારે 10 ટકા યુવાનો રેગ્યુલર ડ્રગ્સ લઈ રહ્યા છે.
કેટલા પ્રમાણમાં પકડાયું ડ્રગ્સ
સપ્ટેમ્બર મહિનામાં 2021માં મુન્દ્રા પોર્ટ પરથી 20,000 કરોડનું હેરોઇન DRI ટીમ દ્વારા ઝડપવામાં આવ્યું
27 માર્ચ 2019માં 100 કિલો હેરોઇન પોરબંદર દરિયામાંથી ઝડપાયું, 11 આરોપીઓની ધરપકડ ATS દ્વારા કરાઈ હતી, કિંમત 500 કરોડ
6 જાન્યુઆરી 2020 ATS દ્વારા 35 કિલો હેરોઇન જખૌ બંદર પરથી ઝડપાયું, કિંમત 135 કરોડ
15 એપ્રિલ 2021માં 8 પાકિસ્તાનીઓ પાસેથી 150 કરોડનું હેરોઇન જખૌ બંદર પરથી ઝડપાયું
19 સપ્ટેમ્બર 2021 ATS અને કોસ્ટલ સિક્યુરિટી ગાર્ડને સાથે રાખીને પોરબંદરના દરિયામાંથી બોટમાં લાવવામાં આવેલ 30 કિલો હેરોઇન સાથે 7 ઇરાનીઓની ધરપકડ કરી કિંમત 150 કરોડ
દેશનું ભવિષ્ય 10 વર્ષ પાછળ ધકેલાય
ડો. એસ. જે. મેતલીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ડ્રગ્સનો ટાર્ગેટ જે તે દેશના યુવા ધનને જ કરવામાં આવે છે. એક વખત આની લત ( Drugs Addiction ) લાગ્યા પછી છૂટી શકતી નથી. જેથી આવા ડ્રગ્સને કારણે ફક્ત અમુક ક્ષણની મજા માટે દેશનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડે છે, શક્તિમાં આપોઆપ વધારો થાય છે પણ આ ફક્ત અમુક ક્ષણ માટે જ હોય છે. જ્યારે આ દેશને આર્થિક નુકશાનકારક પણ સાબિત થાય છે. કારણ દેશનું યુવાધન જ દેશની પ્રગતિમાં મહત્વનો ફાળો આપે છે ત્યારે જો યુવાધન જ ડ્રગ્સને રવાડે ચડે તો દેશને આર્થિક નુકશાન સાથે દેશ 10 વર્ષ પાછો ધકેલાઇ જાય છે.
5 વર્ષ 1007 કેસ, 1446 આરોપીઓ અને પાકિસ્તાનનું પ્રોક્સી વોર
ડીજીપી ઓફિસથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 1007 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 14646 જેટલા આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. જ્યારે પકડાયેલા અમુક આરોપીઓ પાકિસ્તાન અને ઇરાનના હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આમ પાડોશી દેશ દ્વારા પ્રોક્સી વોર ખેલીને ડ્રગ્સ ( Drugs ) ભારતમાં ઘૂસાડાય છે. જ્યારે ગુજરાત પાકિસ્તાનના સિંધ, કરાચી પ્રદેશથી નજીક હોવાથી ગુજરાત એટીએસ, મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને કચ્છ ભુજ પોલીસની કામગીરીથી આ રૂટને કંટ્રોલ કરવામાં આવ્યો છે.
છેલ્લા 2.5 વર્ષમાં કેસની સંખ્યા
અમદાવાદ શહેર 55
બનાસકાંઠા 59
રાજકોટ શહેર 50
સુરત શહેર 54
ભાવનગર 39
રાજકોટ ગ્રામ્ય 37
બરોડા શહેર 32
સુરત ગ્રામ્ય 34
ભરૂચ 24
છેલ્લાં 5 વર્ષમાં વિવિધ નશીલા માદક દ્રવ્યો અંગેના કેસની વિગતો
ગાંજો ઝડપવાના કિસ્સામાં 739 કેસ, 983 આરોપીઓ અને 23,09,76,027નો મુદ્દામાલ
અફીણ પકડવાના કિસ્સામાં 47 કેસ, 63 આરોપીઓ અને 1,56,77,302નો મુદ્દામાલ
ચરસ પકડવાના કિસ્સામાં 52 કેસ, 76 આરોપીઓ અને 12,23,00,622નો મુદ્દામાલ
હેરોઇન પકડવાના કિસ્સામાં 15 કેસ, 49 આરોપીઓ અને 841,81,56,494નો મુદ્દામાલ
આ પણ વાંચોઃ પાકિસ્તાનથી ભારતમાં લવાતું કરોડોની કિંમતનું ડ્રગ્સ કોસ્ટગાર્ડે કર્યું જપ્ત
આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ: આજે પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે