- વૉર્ડ નંબર 8માં પાણીની સમસ્યા આવી સામે
- ઓછા સમયે, ઓછા ફોર્સમાં પાણી મળે છે
- મતદાન નહીં કરીએ તેવી ચીમકી શહેરીજનોએ આપી
ગાંધીનગર: વૉર્ડ નંબર 8નાં મતદાતાઓએ પાણી મુદ્દે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી આ સમસ્યાઓનો સામનો અમે કરી રહ્યા છીએ. પાણી મુદ્દે આગામી સમયમાં આંદોલન પણ કરવું પડી શકે છે તેવી ચીમકો પણ આપવામાં આવી હતી. તેમને એ પણ જણાવ્યું હતું કે, આ સમસ્યા છેલ્લા 10- 15 વર્ષથી સામે આવી રહી છે. જે મુદ્દે તેમને પોતાના પ્રતિભાવ ETV ભારત સમક્ષ જણાવ્યાં હતા.
આ પણ વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર
જો પાણીની સમસ્યા હલ નહીં થાય તો મતદાનનો બહિષ્કાર કરીશું
શહેરીજનોએ જણાવ્યું હતું કે, પહેલા ત્રીજા માળ સુધી પણ પાણી મળતું હતું અને તેનો ફોર્સ પણ વધારે હતો. અત્યારે પાણીનો ફોર્સ પણ ઓછો થયો છે અને પાણી પણ ઓછું મળી રહ્યું છે. પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો મતદાન અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગાંધીનગરના શહેરીજનો દ્વારા આપવામાં આવી હતી. વૉર્ડ નંબર 8માં સૌથી મોટી સમસ્યા પાણી છે તેવું ત્યાંના રહીશોએ જણાવ્યું હતુ.
પાંચથી વધુ વર્ષથી આ પ્રકારની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો
પાણી મુદ્દે તેમનું કહેવું હતું કે, પાણી સમયસર આવતું નથી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ નીચે પાણી ભરવા જવું પડે છે. 3થી 4 ફુટ નીચે કુંડી ઊંડી કરવી પડે છે. કેમ કે પાણીનો ફોર્સ પણ ઓછો છે. આ પ્રકારની સમસ્યાનો છેલ્લા 15 વર્ષથી શહેરીજનો સામનો કરી રહ્યા છે. તેઓ આ પ્રકારની સમસ્યાથી ત્રાહિત થયા છે. ચૂંટણી આવી રહી છે, ત્યારે ઉમેદવારો કોઈ પણ આવે પરંતુ તેમને આ સમસ્યાનું સમાધાન થાય તેવું તેમણે જણાવ્યું હતું. જે માટે તેમને પાટનગર અને સરકારને પણ જવાબદાર ઠેરવી હતી. કેમ કે, 5થી વધુ વર્ષથી આ સમસ્યા છે.
આ પણ વાંચો : 6 મેના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થશે, ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાય તેવી શક્યતા
આવેદન પત્ર આપવા છતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર
શહેરીજનોનું કહેવું હતું કે, વૉર્ડ નંબર 8માં પાણીની સમસ્યા છે, જે માટે તેમને વારંવાર આવેદનપત્ર પણ સરકારને આપ્યા છે. પરંતુ આ વાતને ધ્યાને લેવામાં આવતી નથી. પાણીની સમસ્યાનું નિવારણ થાય તો બાકીની સમસ્યા ગૌણ છે તે પણ તેમનું કહેવું હતું. કારણ કે સવાર પડતાં જ નીચે પાણી ભરવા જવું પડે છે.