- રાજયના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીનું રાજીનામુ
- ઋષિ પાંચમના દિવસે રાજીનામુ
- નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા રહ્યા હાજાર
- સાંજ સુધીમાં નવા સીએમના નામની થશે જાહેરાત
ગાંધીનગર : આપણી સરકાર સૌની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં નવ દિવસની ઉજવણી કરી હતી. ત્યારથી જ નક્કી હતું કે, રાજ્યમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નવા મુખ્યપ્રધાન તરીકે નવો ચહેરો આવશે, ત્યારે આજે પાંચમ એટલે કે ઋષિ પાંચમના દિવસે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અચાનક જ રાજભવન ખાતે પહોંચીને રાજ્યપાલ દેવરાજ આચાર્યને રાજીનામું સુપરત કર્યું હતું અને સાથે જ તેમની જોડે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિત ભાજપના નેતાઓ પણ રાજીનામાની કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા હતા.
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નવા મુખ્યપ્રધાન
મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા પણ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી જ યથાવત રહેશે અને તેમની આગેવાનીમાં જ ચૂંટણી યોજાશે તેવી જાહેરાત પણ કરી હતી, પરંતુ આજે અચાનક જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું અને હવે વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન તરીકેનો ચહેરો ભાજપ પક્ષ દ્વારા અત્યારથી જ જાહેર કરી દેવામાં આવશે.
પાટીદાર મુખ્યપ્રધાન હશે તેવી શકયતાઓ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે, ત્યારે ભાજપ પક્ષમાં પણ ધારાસભ્યોની તાબડતોબ બેઠક બોલાવવામાં આવી છે અને નવા મુખ્યપ્રધાન તરીકે પાટીદાર સમાજનો ચહેરો હોય તેવી શક્યતાઓ પણ દર્શાવાઇ રહી છે. રાજ્યમાં મુખ્યપ્રધાન તરીકે હવે પાટીદાર ચહેરો હોય તેવી વાતો સામે આવી રહી છે.
શુ કહ્યું મુખ્યપ્રધાન રૂપાણીએ
રાજીનામું આપ્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટી પ્રતિ આભાર વ્યક્ત કરું છું કે, મને પાર્ટીના કાર્યકર્તાથી ગુજરાતના મુખ્યપ્રધાન પદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. મુખ્યપ્રધાનના રૂપમાં મળેલી જવાબદારીને નિભાવતા મેં મારો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જ્યારે આ કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ વિશેષ માર્ગદર્શન મળી રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ તથા સામાજિક કલ્યાણના પથ પર આગળ વધીને નવા વિકલ્પો પર પહોંચ્યું છે. ગુજરાતની યાત્રામાં મને પાંચ વર્ષનું મહત્વનું યોગદાન આપવાનો મોકો પ્રાપ્ત થયો છે.
રાજીનામાંની ઝલક
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, હું ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે, પાંચ વર્ષમાં થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ જ સાથ-સહકાર મને પ્રાપ્ત થયો છે. પાર્ટી અને સરકારને ગુજરાતની જનતા દ્વારા અભૂતપૂર્વ સમર્થન સહયોગ અને વિશ્વાસ મળ્યો છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની તાકાત બની છે અને મારા માટે જનહિતના કામ કરવા માટેની આ એક પ્રકારની ઊર્જા પણ હતી.